આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૧ )


નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા. અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.

બીજે દહાડે, અંબા માતાના દહેરાં તરફ જવાનો રસ્તો ઘણો વિકટ, તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંએક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકો ચુંકો હતો. જાત્રાળુ લોકોએ રાતા, પીળા, ધોળા, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાએક પાસે ચળકતી તરવારો હતી, કેટલાએકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘાલેલાં હતાં, તે સઘળાં તડકામાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં લાંબી હાર દેખાતી, કેટલીએક વાર તો રંગબેરંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા. અને કોઈ કોઈ વાર તો ઝાડાના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જુની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કીધો. પછી પાણી પી તાજા થઈને આગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજજડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બુમ પાડી કે દહેરૂં પાસે આવ્યું. એ બુમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને “જય અંબે, ” “જય અંબે,” “ અંબે માતકી જય.” એવી બુમ પાડી ઉઠયા. દહેરૂં આરાસુરના પહાડમાં આરાવલી પર્વતની શાખા જ્યાં નૈઋત્ય કોણમાં પુરી થાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નામાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન