આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


સમકિત ધારી શ્રેનિક રાજા, બેટે આંધ્યો મુસકે,
ધર્મી નરપતિ કર્મે દબાણા, કર્મથી જોર ન કીસકે રે. પ્રાણી. ૧૪

ઈશ્વર દેવને પાર્વતી રાણી, કર્તા પુરુષ કહેવાય;
અહોનિશ સ્મશાનમાંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી. ૧૫

સહસ્ત્ર કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો,
સોળ કળા શશિહર જગ ચાવો, દિનદિન જાયે ઘટતો રે. પ્રાણી. ૧૬

નળ રાજા પણ જુગટે રમતા, અરથ ગરથ રાજ્ય હાર્યો,
બાર વરસ લગે વન દુઃખ દીઠાં, તેને પણ કર્મે ભમાડ્યો રે. પ્રાણી. ૧૭

સુદર્થનને સૂળીયે દીધો, મુંજરાયે માગી ભીખ,
તમસ ગુફા મુખ કોણીક બળીયો, માની ન કોઈની શીખ રે. પ્રાણી. ૧૮

ગજ મુનિના શિર પર સગડી, સાગાદત્તનું બળ્યું શિષ,
મેતરજ વાધરે વીંટાણા, ક્ષણ ન આવી રીસ રે. પ્રાણી. ૧૯

પાંચસે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આણ્યો લગાર,
પૂરવ કર્મે ઢંઢણ ઋષિને, ષટ્ માસ ન મળ્યો આહાર રે. પ્રાણી. ૨૦

ચૌદ પૂરવધર કર્મતણે વશ, પડ્યા નિગોદ મઝાર,
આર્દ્રકુમાર અને નંદિષેણે, ફરી વાસ્યો ઘરવાસ રે. પ્રાણી. ૨૧

કલાવતીના કર છેદાણા, સુભદ્રા પામી કલંક,
મહાબળ મુનિનું ગાત્ર પ્રજાલ્યું, કર્મ તણા એ વંક રે. પ્રાણી. ૨૨

દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફોડ્યું કૃષ્ણે ઠામ,
વીરના કાને ખીલા ઠોકાણા પગે રાંધી ખીર તામ રે. પ્રાણી. ૨૩

કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મઝાર,
મેરુશિખર ઉપર ચડે પણ, કર્મ ન મૂકે લગાર રે, પ્રાણી. ૨૪

એવાં કર્મ જીત્યાં નરનારી, તે પહોંચ્યા શિવ ઠાય,
પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેહના પાપ રે. પ્રાણી. ૨૫