આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



શ્રી જગન્ન્નાથપુરી,
તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.
 


પ્રિય માસ્તર સાહેબ જોશીજી,

પને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક લખવું એવી મારી ઈચ્છા છે.

જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.

અમે શ્રીનગર અક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારી પાસે વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને તેમાં કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડુબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઉંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર પાંચ માણસો