આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેખાવોનું ચંદ્ર જેવા શીતળ, સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે. આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તોપણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે. જો આ જગત્‌ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ ! આહા ! એ પણ એક સમય હતો ! કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા. શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે. આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિતો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તોપણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે ?