આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રૂંછાવાળો કુતરો પણ વારંવાર નજરે પડે છે. નદીના કિનારા પર, તેની પેલી ગમના પર્વતોની ખીણોમાં અને અમારા ડાબા હાથ પરના ડુંગરોનાં શિખરો પર અને મધ્યભાગ પર નાનાં નાનાં ગામડાં દેખાતાં હતા. આ ગામમાં માત્ર પાંચ છજ માટીનાં ખોરડાં હોય છે. ઘરની પાસે પગથિયાં જેવાં નાનાં ગોળ, લંબગોળ, ચોરસ અને અર્ધચંદ્રાકારનાં કમોદ અથવા મકાઈનાં ખેતરો હોય છે. આ ખેતરો અથવા ક્યારા ઢાળવાળા હોય છે. અને ઢાળને છેડે નાની માટીની પાળ કરેલી હોય છે. વરસાદ વધારે પડતો નથી તેમ વરસાદ અથવા કુવાની જરૂર પણ નથી, કેમકે વસંતમાં પર્વતો પરનો બરફ પીંગળે છે અને તેનું શીતળ જળ આ ખેતરોમાં સિંચાતું સિંચાતું જોઈએ તેટલું પાળને લીધે ખેતરોમાંજ રહી બાકીનું જેલમ નદીમાં વહી જાય છે. પીવાનું પાણી પણ ગોતવા જવું પડે તેમ નથી, કેમકે કેટલાક, દૂરથી સરપ અથવા રૂપાના રસ જેવા દીસતા ધોધ, દરેક ઋતુમાં વહ્યાંજ કરે છે. ઘર પર નળિયાંને બદલે ધૂળનાં અગાશી જેવા સપાટ છાપરાં રાખવામાં આવે છે. આ છાપરાં તે જ આ ગરીબ ખેડૂતોની ખળાવાડ છે. આ ખળાવાડ પર ખેડૂતો ચડી સુપડામાં દાણા ભરી ભરી ઉછાળતા અથવા વાવલતા નજરે પડતા હતા.

૯. આ ગોકુળ જેવાં રમણીય ગામડાંની પાસેના પાણીના ધોધ પર પાણીથી ફરતી અનાજ દળવાની ચક્કીઓ દેખાતી હતી. આ પ્રમાણે આ જંગલી લોકો પણ પાણીનો ઘણો સરસ ઉપયોગ કરી શકે છે. આ ચક્કીની ગોઠવણી ઘણીજ સાદી અને કાઠીયાવાડમાં અથવા બીજી કોઈ પણ જગ્યાએ દાખલ થ‌ઇ શકે તેવી છે. આ જંગલી લોકોની આવી સ્થિતિ જોઇ થોડા અગાડી ચાલ્યા ત્યારે કેટલાંક માણસો સડક માપતાં નજરે પડ્યાં. ગાડી ઊભી રખાવી તેઓને આમ કરવાનું કારણ પૂછ્યું. તેમાંનો એક જે અમલદાર જેવો દેખાતો હતો તેણે કહ્યું કે 'રાવલપીંડીથી શ્રીનગર સુધી ટ્રેન કરવાનો સરકારનો વિચાર છે.' અમે પૂછ્યું કે 'કેટલું ખરચ થશે ? કેવા ગેજની ટ્રેન