આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરવા વિચાર છે ? પૈસા કોણ આપશે ? ટ્રેન આ જ રસ્તે લાવવી છે કે બીજો કોઈ રસ્તો ત‌ઇયાર કરવો પડશે ?' તેણે કહ્યું કે 'બ્રોડગેજ કરવાનો ઇરાદો છે. ખરચ આશરે ૭૦,૦૦૦,૦૦૦ (સાત કરોડ) રૂપિયાનું થશે. રસ્તો આજ લેશે પણ તેમાં કેટલોક ફેરફાર કરવો પડશે. અને મસુરી (મરિહીલ) ઘણું ઉંચું છે તેથી તેને છોડી દેવું પડશે. ખરચ કોણ આપશે તેની મને ચોકસ ખબર નથી પણ ઘણું કરી કાશ્મીરના મહારાજા આપશે. વળી આ ટ્રેન થશેજ એમ પણ કહી શકાતું નથી.' આવા પર્વતોમાં ટ્રેન લાવવી એ ખરેખાત મુશ્કેલ કામ છે, કેમકે એક તસુ પણ સપાટ જમીન ક્યાંઇ નજરે પડતી નથી અને ડુંગરો પરથી વારંવાર પથ્થરનાં તોળાઇ રહેલા હાથી જેવડાં ચોસલાં ગબડી પડે છે.

૧૦. આ ટ્રેનને વિષેજ વાતો કરતા અમે અગાડી ચાલ્યા અને રામપુર જ્યાં એક ડાકબંગલો છે ત્યાં જ‌ઇ દોઢેક કલાક રોકાયા, ઘોડાને થાક ખવડાવ્યો અને અમે જમ્યા. હું રામપુરમાં હતો તેથી કાઠીયાવાડમાંનું લાઠીનું ગામ રામપુર જ્યાંથી લાઠી ચોખ્ખું નજરે પડે છે તે યાદ આવ્યું. ક્યાં એ સપાટ જમીન અને વિશાલ ખેતરોવાળું રામપુર અને ક્યાં આ સ્વર્ગ પરનું સરોનાં ઘુ ઘુ અવાજ કરતાં વૃક્ષોથી ભરેલું ઊંચી ટેકરી પર આવી રહેલું કાશ્મીરી રામપુર ! એ વખતે હું કાશ્મીરમાં છતાં જાણે કાઠીયાવાડમાં હોઉં, મારા મિત્રો સાથે જાણે લાઠી અથવા રાજકોટમાંજ ફરતો હોઊં, બેઠેલો હોઊં અથવા સ્વર્ગનું વર્ણન વાંચતો હોઊં તેમ ભાસ્યું. એ કાશ્મીરી પર્વતો, નદી, ખળખળિયાં, ઝરણ અને શીતલતા જાણે મારા મન સાથેજ કાઠીયાવાડમાં આવી વસ્યાં હોય, એ વૃક્ષની કુંજોને જાણે મારા હૃદયના વિચારો કાઠિયાવાડમાં ઉપાડી ગયા હોય, એ બરફનાં શિખરોને મારૂં મન જાણે કાઠિયાવાડમાં ઊંચકી ગયું હોય અથવા કાશ્મીર અને કાઠિયાવાડ જાણે એક થઈ ગયાં હોય અથવા મળી ગયાં હોય તેવીજ મને ભ્રાંતિ થવા લાગી. આવાજ વિચારોમાં