આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવસ અકસ્માત્‌ વિના ગયો નથી. અમારી ગાડી ડુંગર સાથે અથડાણી એતો હમણાં જ લખાઇ ગયું, પણ એ સિવાય રાવલપિંડીથી મરી હિલ જતાં અમારી ગાડી એક કરાંચી સાથે ભરાણી હતી અને પડખેની ખીણમાં ઝંપલાત પણ બે તસુના તફાવતથી જ અમે સૌ બચી ગયા.

૧૨. થાળી થોડા જ વખતમાં તૈયાર થ‌ઇ. જમી લીધું. થોડી વાર બેસી ગુલાબનાં સુગંધી થોડાં પુષ્પ અને એલચીનાં પાન ચુંટી લીધાં અને નીસાસો નાખી ગાડીમાં બેઠાં. મરિ હિલ પાછળ રહેલો માણસ પણ આવી પહોંચ્યો.

૧૩. સપાટ જમીન પર ઘોડા આનંદથી દોડવા લાગ્યા. પર્વતોને બદલે લાંબાં ખેતરો દેખાવા લાગ્યાં. ઝાડ ઘણાં જ થોડાં દૃષ્ટિએ પડવા લાગ્યાં. બળદને બદલે ઊંટવાળાં હળ ખેતરમાં દેખાતાં હતાં. બરફના પહાડ દૂર દૃષ્ટિએ પડતા હતા.

૧૪. શ્રીનગર છોડ્યું ત્યારથી પ્યારા પત્રો મળ્યા નહોતા તેથી તેનાં દર્શન કરવા હૃદય ઉત્સુક હતું. રાવલપિંડીનાં ઘર દેખાવા લાગ્યાં. સૂર્યબિંબ પશ્ચિમાચલ ઉપર લટકવા લાગ્યું. સંધ્યારાગ ખીલવા લાગ્યો. પણ અરે, તે કાશ્મીરી સંધ્યારાગ હવે ક્યાંથી દેખાય ? તે ડાલ સરોવરના દેખાવ હવે ક્યારે નજરે પડે ?

૧૫. રાવલપિંડી પહોંચી ગયા. અમારાં સોળ માણસમાંથી ચાર માણસ અને કેટલોક સામાન રાવલપિંડી રાખ્યાં હતાં. એક માણસ સામો આવ્યો હતો. તેણે કહ્યું કે ઉતારો બદલવો પડ્યો છે. અમે તેની પાછળ પાછળ ગાડી ચલાવી અને નવે ઉતારે પહોંચી ગયા. જતાંવેંતજ કાગળનો તપાસ કર્યો. એક માણસે આશરે પોણોસો પત્રોનો થોકડો આપ્યો. તે બધા વાંચ્યા ; કેટલાક ફરીથી વાંચ્યા ; કેટલાક ત્રણ વખત વાંચ્યા અને પછી કેટલાક ગજવામાં ગોઠવી ફળીમાં ખુરશીઓ મગાવી, ચાંદનીમાં વાતો કરતા બેઠા અને ચા પીધો. આજે હૃદય તેમજ ચંદ્રનું ગ્રહણ હતું !