પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૧૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

३९–अर्धकाशी

ના પૂર્વજન્મની કથા એવી છે કે, કશ્યપબુદ્ધના સમયમાં કોઈ સુપ્રતિષ્ઠિત કુલીન કુટુંબમાં તેનો જન્મ થયો હતો અને ધર્મનું જ્ઞાન થયા પછી વૈરાગ્ય પ્રાપ્ત થવાથી ભિક્ષુણી બની હતી; પરંતુ એક વખતે પોતાનાથી એક વડિલ ભિક્ષુણીને વેશ્યા કહીને ગાળ દીધી તેથી તેની અધોગતિ થઈ અને ગૌતમબુદ્ધના સમયમાં તેને કાશીનગરીના એક ધનવાન અને સમૃદ્ધિવાન ગૃહસ્થને ઘેર જન્મ લેવો પડ્યો અને આગલા જન્મના દોષને લીધે ત્યાં તેને પોતાને વેશ્યા થવું પડ્યું. વેશ્યાના ધંધામાં તેણે એટલું બધું ધન પેદા કર્યું કે અડધી કાશી નગરી ઉપર તેની માલિકી હતી અને તેને લીધે જ તે અર્ધકાશી નામથી ઓળખાઈ છે. પાછળથી પોતાના પાપી જીવન માટે પશ્ચાત્તાપ થતાં, તેણે શ્રાવસ્તી નગરીમાં ભગવાનને પોતાનો સંદેશો કહાવ્યો અને તેમના સાંનિધ્યમાં જવાની રજા માગી. બુદ્ધ ભગવાને તેને પોતાની પાસે બોલાવીને ધર્મનો ઉપદેશ આપ્યો, જેથી તેને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું. ધર્મશાસ્ત્રનું પૂરૂં રહસ્ય જાણ્યા પછી તે અર્હત્‌પદને પામી ગઈ. એણે પોતે રચેલી ગાથામાં વર્ણવ્યું છે કે —

“આખા કાશીની વિઘોટી જેટલી મારી ફી હતી. કાશીવાસી લોકો એટલું ધન તો મારા પગ આગળ અર્ધ્યરૂપે ધરતા, પરંતુ એ રૂપ વેચવાનો મારો ધંધો ચાલ્યો ગયો છે. અને હવે તેના ઉપર તિરસ્કાર ઊપજે છે. હવે મેં જન્મમૃત્યુના ફેરાને ટાળ્યો છે; હવે મને કાંઈ પણ ડર નથી. હું બુદ્ધદેવના શાસનને માનું છું અને મેં ત્રણ વિદ્યા પ્રાપ્ત કરી છે.”

મુક્તિને માટે જે જ્ઞાન આવશ્યક છે તેને બૌદ્ધ ધર્મમાં ત્રિવિદ્યા કહે છે. પાપનું મૂળ, કેવા ઉપાયથી પાપ દૂર થાય અને કેવી રીતે સાધનાથી નિર્વાણ પ્રાપ્ત થાય એ ત્રણ વાતનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેને ત્રિવિદ્યા કહે છે.