પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
સુંદરી નંદા



ભિક્ષુણીને મોકલતી. એને ભય હતો કે ગુરુદેવ એના રૂપને વખોડશે, રૂપના ગર્વ માટે એને ધમકાવશે. બુદ્ધદેવ ભિક્ષુણીસંઘના કામમાં ખાસ કાળજી રાખતા હતા. પોતાના સંઘમાંની દરેક સન્નારી આધ્યાત્મિક માર્ગમાં કેટલી ઉન્નતિ કરે છે તેની પોતે ખબર રાખતા. એમને ખબર હતી કે, નંદાને રૂપલાવણ્યનું અભિમાન છે, સુખ અને વૈભવમાં ઉછરેલી છે, એ અભિમાન એનામાંથી એકદમ લો૫ થઈ જાય એ પણ અસંભવિત છે; એટલા માટે એક દિવસ તેમણે આજ્ઞા આપી કે, “આજના ઉપદેશમાં તો નંદાએ જાતેજ આવવું પડશે. બીજી કોઇ ભિક્ષુણીને મોકલ્યે નહિ ચાલે.” હવે તો નંદાને જવુંજ પડ્યું. બુદ્ધદેવ એવી રૂપગર્વવતી સ્ત્રીઓને ઠેકાણે આણવા માટે માયા રચતા. નંદાએ જે સમયે બુદ્ધદેવને સાષ્ટાંગ દંડવત્ કર્યા, તે સમયે તેણે જોયું કે એક અલૌકિક લાવણ્યવતી સ્ત્રી હાથમાં પંખો લઈને શાસ્તાને વાયુસંચાર કરી રહી છે. એ જોઈને નંદાને વિચાર આવ્યો: “ હું મારા રૂપના અભિમાનમાં અહીં આવતી નહોતી, પણ આ રમણી મારા કરતાં કેટલી વધારે ખૂબસૂરત છે. એ તો એકાગ્રચિત્તે બુદ્ધદેવની સેવા કરી રહી છે.” બુદ્ધદેવ તેના મનના વિચારપરિવર્તનને પારખી ગયા અને તેને ખરૂં જ્ઞાન આપવાનો ઠીક સમય આવી લાગ્યો છે એવું જણાતાં ઉપદેશ આપ્યો કે, “આ શરીર તો માંસ અને રક્તથી લિપ્ત હાડકાંનો કિલ્લો છે. જરા અને મૃત્યુ એમાં રાજ્ય કરે છે.” ત્યાર પછી આ શરીરની ક્ષણભંગુરતા વિસ્તારથી સમજાવી અને ખરો વિજય દેહાસક્તિ છોડીને નિર્વાણપદ પ્રાપ્ત કરવામાં છે એ વાત એના ચિત્તમાં ઠસાવી.

એક દિવસ જેતવનમાં સંઘનો ઉત્સવ થઈ રહ્યો હતો. ભગવાન બુદ્ધદેવ આસન ઉપર બિરાજેલા હતા, આજે ‘નામસંમતકરણ’નો સંસ્કાર થવાનો હતો. એ સમારંભમાં કોઇ ભિક્ષુ કે ભિક્ષણીનું સન્માન કરીને એને ખાસ ઉપાધિ આપવામાં આવતી. એ દિવસે કોઈ એક ભિક્ષુ ધર્મ સંબંધી વ્યાખ્યાન આપીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપતો. આજના સમારંભમાં ભિક્ષુણીસંઘની ઠઠ જામેલી હતી. શાસ્તાએ કેટલીક યોગ્ય ભિક્ષુણીઓને તેમના ગુણાનુસાર પદવી આપી. નંદાનો વારો આવ્યો ત્યારે તેમણે તેને ‘ધ્યાનસંપન્ન’ અને ‘ધ્યાનાભિરત’નું પદ આપ્યું અને એ વર્ગની ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપી તેની અભિલાષા પૂર્ણ કરી.