પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
સોણા



એ વ્રતની ખાતર એણે ઘણાં જાગરણ કીધાં. હવે લોકોએ એને ‘’બહુપુત્રિકા’ કહેવું છોડી દીધું અને ‘આરબ્ધવીર્યા’ નામથી બોલાવવાનું આરંભ કર્યું. એક ક્ષણની ફુરસદ મળતી તો એમાં પણ એ પોતાનું વ્રત આદરતી. એક વાર ભિક્ષુણીઓ કામ પ્રસંગે બહાર જતી હતી, ત્યારે સોણાને પાણી ઊનું કરવાનું કામ સોંપતી ગઈ. એ કામને સારૂ રસોડામાં જતી વખતે પણ તેણે પોતાનું નિત્યકર્મ છોડ્યું નહિ. આધ્યાત્મિક માર્ગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી રહી હતી, એટલામાં બુદ્ધદેવે એક ગાથા ગાઈ કે, “ઉત્તમ ધર્મ પાળ્યા વગર સો વર્ષ સુધી જાગ્યા કરવું, તેના કરતાં ઉત્તમ ધર્મને ઓળખીને એક ક્ષણ જાગવું એ વધારે સારૂં છે.” સોણાએ દિવ્યજ્ઞાન દ્વારા એ ગાથા સાંભળી. ઉનામણામાં પાણી ગરમ કરવાનું કામ એને ઠેકાણે રહ્યું અને એના હૃદયમાં એ ગાથા સાંભળતાંવાર જ એવું પરિવર્તન થયું કે, એ અર્હંત્‌પદને પ્રાપ્ત થઈ. અર્હંત્‌પદની તો પ્રાપ્તિ થઈ પણ ભિક્ષુણીઓ પાછી આવતાં વઢશે એની એને ચિંતા થવા લાગી. થયું પણ એમજ. થોડી વારમાં ભિક્ષુણીઓ પાછી ફરી અને પાણી ગરમ નહિ મળવાથી સોણાને ઠપકો આપ્યો. સોણાએ શાંતપણે ઉત્તર આપ્યો: “બહેન ! તમારે અગ્નિની સાથે શું કામ છે. નહાવાની ઈચ્છા હોય તો બેસો હું ઊનું પાણી તમારે માટે લાવું છું.” એમ કહીને એ ચૂલા પાસે ગઈ અને પાણીમાં હાથ ઘાલી જુએ છે, તો ખખળતું પાણી તૈયાર હતું. એક ઘડામાં પાણી કાઢ્યું, પણ એટલામાં જુએ છે તો ઉનામણો ફરીથી ભરાઈ ગયો છે. કેવો ચમત્કાર ! સંઘમાં બધાને ખાતરી થઈ ગઈ કે સોણા અર્હંત્‌પદને પામી ગઈ છે. તેમણે નમ્રપણે સોણાની પાસે ક્ષમા માગી.

બુદ્ધદેવે તેની યોગ્યતાનુસાર ‘વિર્યવતી ભિક્ષુણી’ઓના વર્ગમાં તેને ઉચ્ચ સ્થાને મૂકી.

એકાંત ધર્મ સાધનાના બળે સોણાએ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું અને જન્મમરણના ફેરામાંથી સદાને માટે બચી ગઈ.