પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એમ કહીને એ ગામમાં ધર્મપ્રચાર સારૂ જતી અને આઠ દહાડા પછી ગામની ભાગોળે આવીને જોતી અને પોતાના છોડને સહીસલામત દેખીને એને ઉપાડી લઈને આગળ પ્રવાસ કરવા લાગતી.

એક દિવસ ભગવાન બુદ્ધદેવનો શિષ્ય સારિપુત્ત ત્યાં આગળ થઈને જતો હતો. તેના દીઠામાં એ ઢગલો અને પુષ્પનો છોડ આવ્યો. તેણે છોકરાઓ પાસેથી સર્વ વૃત્તાંત જાણી લઈને કહ્યું “આ છોડને ચગદી નાખો.” સાંજે ભદ્રાએ આવીને જોયું તો છોડ ચગદાઈ ગયો છે, એટલે તે સારિપુત્તની પાસે જઈને પૂછવા લાગી: “આપ મારી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છો ?” સારિપુત્તે હા કહી, એટલે ભદ્દા શ્રાવસ્તી નગરીમાં જઈને અનેક વિદ્વાનોને પોતાનો અને બૌદ્ધ સાધુનો વાદવિવાદ સાંભળવા સારૂ તેડી લાવી. ભદ્દાએ પૂછ્યું: “મહારાજ ! પહેલાં પ્રશ્ન કોણ કરશે ? આપ કે હું ?” સારિપુત્તે ઉત્તર આપ્યો: “સાધ્વિ ! પહેલાં તમેજ પ્રશ્ન કરો. પછીથી હું પ્રશ્ન કરીશ.” ભદ્દાએ અનેક પ્રશ્નો કર્યા. તેના ઉત્તર સારિપુત્તે સંતોષકારક આપ્યા, એટલે ભદ્દાને શાંત થવું પડ્યું. છેવટે સારિપુત્તે કહ્યું: “ભદ્દા ! તમે ઘણા પ્રશ્નો કર્યા, હવે મને એક જ પ્રશ્ન પૂછવાની રજા આપશો ?” ભદ્દાએ સંમતિ દર્શાવી એટલે સારિપુત્તે પૂછ્યું: “एकम नाम किम् । જેને આપણે એક કહીએ છીએ તે શું છે ?” આ સાદા પરંતુ ગહન પ્રશ્નનો ઉત્તર ભદ્દાથી દેવાઈ શકાયો નહિ. તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી “ભગવન્ મને ખબર નથી” એ ઉપરથી બૌદ્ધ સાધુએ કહ્યું: “તને આ વાતની ખબર નથી તો તું બીજું શું જાણતી હોઇશ ?” એમ કહીને તેને પોતાના ધર્મનો ઉપદેશ આપ્યો, ભદ્દા તેને ચરણે પડીને કહેવા લાગી: “ભગવાનને શરણે આવું છું” સાધુ સારિપુત્તે કહ્યું: “બા ! મારે શરણે ન આવશો. મનુષ્યો અને દેવતાઓમાં શ્રેષ્ઠ એવા મહાપૂજ્ય અમારા ગુરુ ભગવાન બુદ્ધદેવ છે તેને શરણે જાઓ.” ભદ્દાએ તેની સલાહ પ્રમાણે બુદ્ધ દેવ પાસે જઈને ધર્મોપદેશ ગ્રહણ કર્યો અને ઘણા થોડા સમયમાં તેણે અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૧૦૭ થી ૧૧૧ સુધીના શ્લોક તેના રચેલા છે.