પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૫૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७७–रोहिणी

વૈશાલી નગરીમાં એક ધનાઢ્ય બ્રાહ્મણને ઘેર એનો જન્મ થયો હતો. ધર્મનું જ્ઞાન એને બાલ્યાવસ્થામાંજ થયું હતું. સાધુસંત ઉપર તેને વિશેષ પ્રીતિ હતી. એક દિવસ તેના પિતાએ તેને કહ્યું: “રોહિણિ ! રસ્તામાં શ્રમણ (ભિક્ષુક) ચાલ્યો જતો હોય છે તો તું તેને બોલાવે છે તથા મને કહે છે આ શ્રમણનાં દર્શન કરો. તું સદા શ્રમણના ગુણ ગાયા કરે છે. શું તારો વિચાર પણ શ્રમણી થવાનો છે કે ? શ્રમણ આવતાં વારજ તું તેને અન્નદાન કરે છે. એ લોકો તને શા સારૂ એટલા બધા પ્રિય છે ! જે લોકો આળસુ અને પારકાના દાનથી જ પેટ ભરનારા, લોભી અને સારૂં સારૂં ખાવાના શોખીન હોય છે, તેવાઓ ઉપર તને પ્રીતિ કેમ ઉત્પન્ન થાય છે ?” એના ઉત્તરમાં રોહિણીએ કહ્યું કે, “પિતાજી ! આપે આનો આ પ્રશ્ન ઘણીવાર પૂછ્યો છે. આજે હું આપની આગળ એ સાધુઓના ગુણોનું, તેમના ડહાપણનું તથા તેમનાં સત્કાર્યોનું થોડુંક વિવેચન કરીશ.

“એ લોકો આપને નિરુદ્યમી અને આળસુ દેખાય છે, પરંતુ ખરૂં જોતાં તેઓ દરરોજ ઉત્તમોત્તમ કામ કરે છે. તેઓ રાગદ્વેષનો નાશ કરે છે, તેથી તેઓ મને પ્રિય છે. પાપનાં જે ત્રણ મૂળ છે, તેને તેઓ જડમૂળથી ઉખેડી નાખે છે. તેઓ શુદ્ધ ચિત્તવાળા અને પાપશૂન્ય છે, તેથી તેઓ મને આટલા બધા પ્રિય છે. તેમનાં કાયા,મન અને વચન પવિત્ર હોય છે, તેમનું જીવન પુણ્યકર્મમય છે. એવા સાધુઓ હે પિતાજી ! કોને પ્રિય ન લાગે ? વળી એ લોકો શાસ્ત્રમાં પ્રવીણ અને ધર્મમાં દક્ષ છે, એમનું જીવન પણ આર્યશાસ્ત્રને અનુકૂળ છે, તેઓ એકાગ્રચિત્ત છે, તેથી હું તેમને ચાહું છું. એમનો ભ્રમ દૂર થયો છે, એમની ઇંદ્રિયો સંયમમાં