પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૬૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
શુભા (સોનીની કન્યા)



ઉપર શત્રુરૂપે આક્રમણ કરે છે. જે લોકો ભોગવિલાસમાં નિમગ્ન છે, તેમને બહુ દુઃખ વેઠવાં પડે છે. મૃત્યુ, કેદખાનું, વેદનાઓ, શોક, આફત અને વિલાપ એ બધું તેમને વેઠવું પડે છે. હે જ્ઞાતિબંધુઓ ! તમે શત્રુરૂપ થઈને મારા ચિત્તને ભોગવિલાસમાં શા માટે ફસાવવા માગો છો ? માથું મૂંડાવી હું પ્રવજ્યા કરૂં છું, ભિક્ષુણીઓના જેવાં ચીર પહેરું છું, ઘેરઘેર ભિક્ષા માગીને જે કાંઈ મળે છે તેથી નિર્વાહ કરું છું. મારાં લૂગડાંમાંયે થીંગડાં વાગેલાં છે. આ પ્રમાણે હું ગૃહહીન સંન્યાસિની બની છું. મોટા ઋષિઓ મર્ત્યલોક તથા સ્વર્ગલોક બન્નેના ભોગવિલાસોનો ત્યાગ કરે છે. મુક્તચિત્ત અને ક્ષેમમય થઈને તેઓ ખૂટે નહિ એવું સુખ પામે છે, માટે મને ભોગમાં ફરીથી મગ્ન ન થવા દો, એથી આ ભવસાગરમાંથી મારૂં પરિત્રાણ નહિ થાય. કામવાસનાઓ શત્રુ છે, હણનારી છે અને સળગતા અગ્નિની પેઠે બાળી નાખનારી છે. ❋ ❋ ❋ મોહવશ થઇને કામરૂપી કીચડમાં આ પૃથ્વીમાંનાં ઘણાં સ્ત્રી પુરુષો પડે છે. તેમને ખબર નથી કે જન્મમરણનો ક્ષય શાથી થાય છે; કામવશ થઈને મનુષ્યો દુર્ગતિને માર્ગે જાય છે અને એમ કરીને પોતાને હાથે પોતાના પગ ઉપર કુહાડો મારે છે.” આ પ્રમાણે બહુ વિસ્તારથી મધુરી વાણીમાં કામનાઓ અને ભોગ વિલાસથી મનુષ્યને કેટલી હાનિ પહોંચે છે તેનું વર્ણન કરી ફરીથી સંસારબંધનમાં ન ફસાવાનો નિશ્ચય કર્યો અને એકાગ્ર ચિત્તે લાગલગાટ ધર્મની સાધના કરી. આઠમે દિવસે ભગવાન બુદ્ધે એને એક વૃક્ષ નીચે તપસ્યા કરતી જોઈ. પોતે ઘણાજ પ્રસન્ન થયા અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “જુઓ ! પેલી સોનીની કન્યા શુભા વૃક્ષના મૂળ આગળ ધ્યાનમાં નિમગ્ન થઈને બેઠી છે. ધર્મને લીધે તેણે શાંતિ પ્રાપ્ત કરી છે. જગતનાં બધાં દુઃખ એ વીસરી ગઈ છે. ઉત્પલવર્ણાની પાસે દીક્ષા લઈને એણે પ્રવજ્યા ધારણ કર્યે આઠમો દિવસ છે. ધર્મ અને ત્રિવિદ્યાથી ભૂષિત થયેલી વિનયી શુભાને જુઓ ! આજ તેનું મૃત્યુ દૂર ગયું છે. અત્યાર સુધી દાસી હતી, હવે એ મુક્ત, જિતેંદ્રિય નિર્મળ ભિક્ષુણી બની છે. એનાં બંધનો છૂટી ગયાં છે. હવે પાપહીન બની ગઈ છે.” એમ કહેવાય છે કે બુદ્ધ ભગવાનને મુખે આવી પ્રશંસા સાંભળીને ઇંદ્ર આદિ દેવતાઓ પણ ઘણા પ્રસન્ન થયા. તેમણે સુવર્ણકારદુહિતા શુભાની પૂજા કરી.