પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૭૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

८६–संघमित्रा

જથી લગભગ અઢી હજાર કરતાં વધારે વર્ષ પૂર્વે ભારતવર્ષના એક દિગ્વિજય સમ્રાટના ઘરની કન્યા સંસારના ધનવૈભવને તુચ્છ ગણીને ધર્મનેજ વરી હતી અને આખી જિંદગી સુધી કુંવારી રહીને ધર્મપ્રચારના કાર્યમાંજ તેણે પોતાનું અમૂલ્ય જીવન અર્પણ કર્યું હતું. આજે પણ એ વાત સંભારતાં આપણને આનંદ થાય છે. આજે ભારતના એ ગૌરવમય યુગની પ્રાતઃસ્મરણીય રાજકન્યાનું જીવનચરિત્ર લખીને અમે અમારી લેખિનીનું સાર્થક થયું ગણીએ છીએ.

એ રાજકુમારી મહાપ્રતાપી રાજાધિરાજ અશોકના વંશમાં ઉપન્ન થઈ હતી. એક મત એવો છે કે એ એમની કન્યા હતી અને એજ મતનું અવલંબન કરીને અમે આ ચરિત્ર લખ્યું છે. અંગ્રેજ ઈતિહાસવેત્તા વિન્સેંટ સ્મિથ એને અશોકની સગી બહેન ગણે છે. ઉજ્જન નગરીમાં એનો જન્મ થયો હતો. એના ભાઈનું નામ મહેંદ્ર હતું. બન્ને ભાઈબહેન નાનપણમાં ઉજ્જયિની નગરીમાંજ વાસ કરતાં હતાં. ત્યાર પછી ઈ. સ. પૂર્વે ૨૬૮માં અશોક મગધના સામ્રાજ્યના સમ્રાટ બનીને મહેંદ્ર અને સંઘમિત્રાને લઈને પાટલીપુત્ર નગરમાં આવી વસ્યા. હાલ જ્યાં આગળ પટના શહેર છે, ત્યાં જ પહેલાં પાટલીપુત્ર નગર શોભા આપી રહ્યું હતું. એ વખતે એ નગરીની રમણીયતા અને સુખ સમૃદ્ધિમાં કોઈ વાતનો અભાવ નહોતો. અનેક જાતના લોકો ત્યાં વસતા હતા. ચિત્રવિચિત્ર રાજમહેલો, બગીચાઓ, શેઠિયાઓની હવેલીઓ અને તરેહ તરેહની વસ્તુઓનાં ચૌટાઓ જોનારાઓને આશ્ચર્યચકિત કરી નાખતાં હતાં. એ નગરનાં સ્ત્રીપુરુષો મહેંદ્ર અને સંઘમિત્રાનું રૂપાલાવણ્ય તથા એમની અનુપમ મૂર્તિના દર્શન કરીને અતિશય આનંદ પ્રગટ કરવા લાગ્યાં. મહારાજ અશોકે