પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સદ્‌ભાવ સાચવીને સંતોષપૂર્વક જીવન ગાળો, બૌદ્ધ તપસ્વિનીઓએ શુદ્ધાચારપૂર્વક પોતાના વ્રતનું પાલન કરવું જોઈએ.”

ભિક્ષુ અને ભિક્ષુણીઓને કેવા પ્રકારની સાધના કરવી પડતી હતી, તે બાબતમાં વિદ્વાન બંગાળી લેખક શ્રીયુત સત્યેંદ્રનાથ ઠાકુર લખે છે: “વિષયવાસનાથી વેગળા રહીને ભિક્ષુઓએ એકાંતમાં પંચભાવનાની સાધના કરવી પડતી. મૈત્રી, કરુણા, મુક્તિ, અશુભ અને ઉપેક્ષા એ ભાવનાના પાંચ પ્રકાર હતા.

“દેવતા હો કે મનુષ્ય હો, બધા જ સુખી થાઓ; શત્રુનું પણ ભલું થાઓ; બધા રોગ, શોક અને પાપતાપથી મુક્ત થાઓ, એવા પ્રકારનો શુભ વિચાર કરવો એને મૈત્રી ભાવના કહે છે.”

“દુઃખીનાં દુઃખ પ્રત્યે લાગણી–દિલાસોજી બતાવવી, શું કર્યાથી જીવોનાં દુઃખ નાશ પામે અને સુખ વધે એનો રાતદિવસ વિચાર કરવો એને કરુણા કહે છે.

“ભાગ્યવાન મનુષ્યોના સુખે સુખી થવું, તેમનાં સુખ અને સૌભાગ્ય સ્થાયી થાઓ એવો વિચાર રાખવો અને મુક્તિ ભાવના કહે છે.

“શરીર વ્યાધિનું ઘર છે, વીજળીના ચમકારાની પેઠે ક્ષણસ્થાયી છે, ઝાંઝવાના જળ જેવું મિથ્યા છે અને મળમૂત્ર, પરૂ વગેરે ગંદા પદાર્થોથી ભરપૂર છે, માનવજીવન જન્મમૃત્યુને અધીન છે, દુઃખમય અને ક્ષણભંગુર છે એવો વિચાર કરવો તેને અશુભ ભાવના કહે છે.

“બધા જીવ બરાબર છે, કોઈ પ્રાણી બીજા પ્રાણી કરતાં વધારે પ્રીતિ કે વધારે તિરસ્કારને પાત્ર નથી; બળ, દુર્બળતા, દ્વેષ, મમતા, ધન અને ગરીબાઈ, યશ, અપયશ, જુવાની અને ઘડપણ, સુંદર, અસુંદર, બધા ગુણ અને બધી અવસ્થાઓ સમાન છે એવી સામ્ય ભાવના રાખવી તેને ઉપેક્ષા કહે છે.”

દરરોજ સવારે અને સાંજે આવા ઊંચા પ્રકારના વિષયોનું ચિંત્વન કર્યાથી નરનારીઓ ઘણા ઊંડા ભાવમાં ડૂબી જાય અને તેમનાં મન અતિશય ઉન્નત થાય, હૃદય વિશાળ થાય એ વાત તો સહેજે સમજી શકાય એવી છે. એ સાધનાપ્રણાલીને લીધેજ સુજાતા, વિશાખા વગેરે અનેક બૌદ્ધ રમણીઓએ ઉન્નત જીવન પ્રાપ્ત કર્યું છે. રાજકન્યા સંઘમિત્રા પણ એ સાધન કરવા લાગી અને ધીમે ધીમે ધાર્મિક જીવનની એકે એકે ઊંચી સીડીએ ચઢવા લાગી.