પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



મહારાજા અશોકના જીવનચરિત્રમાંથી કેવળ એટલું તો જણાઈ આવે છે કે, સંઘમિત્રાએ સિંહલદેશમાં જઈનેત્યાં આગળ એક ભિક્ષુણીસંપ્રદાય સ્થાપ્યો હતો. તેના ત્યાગમંત્રદ્વારા પવિત્ર બનેલા જીવનનો પ્રભાવ સિંહલવાસીઓ ઉપર ઘણો સારો પડ્યો હતો, પણ એ સંબંધી વિશેષ વૃત્તાંત આપણા જાણ્યામાં નથી આવતો; પરંતુ એ સંન્યાસિની રાજકન્યાની બાબતમાં જે થોડીક વાતો જાણી શક્યા છીએ, તેના ઉપર વિચાર કરવાથી કલ્પનાના માયામંત્ર દ્વારા મનમાં ને મનમાં તેની એક માનસી મૂર્તિ ખડી થાય છે; અને એ મૂર્તિ આગળ આપણે મસ્તક નમાવવું જ પડે છે. જરા વિચાર કરીને જોયાથી જણાશે કે, ધર્મ પ્રચાર કરતાં વધારે ગૌરવમય કાર્ય આ સંસારમાં બીજું કાંઈ નથી. આત્મોસર્ગ કરીને સત્યની અમૃતમય વાણી મનુષ્યજાતિને સંભળાવવા કરતાં વધારે ઉન્નત કાર્ય સ્ત્રીને માટે કયું હોઇ શકે ? લગભગ ૨૧૭પ વર્ષ પૂર્વે ભારતના એક ચક્રવર્તી મહારાજધિરાજની કન્યા સંઘમિત્રાએ એ ધર્મપ્રચારના કાર્યનું ગૌરવ અનુભવ્યું હતું અને આડોઅવળો કાંઈ પણ વિચાર કર્યા વગર ધર્મ ખાતર પોતાનું અમૂલ્ય જીવન સમર્પણ કરી દીધું હતું. જયાંસુધી ભારતનો ઈતિહાસ કાયમ રહેશે ત્યાં સુધી આપણે એ ભારતરમાણીના પવિત્ર નામનું ઉચ્ચારણ કરતાં કરતાં પ્રતિદિન તેના પ્રત્યે ખરા અંતઃકરણની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરવી પડશે.

મહાવંશ વગેરે બૌદ્ધ ગ્રંથમાં સંઘમિત્રાનો ઉલ્લેખ મળી આવે છે. મહાવંશના લેખક લખે છે કે, “સંઘમિત્રાએ પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હથલહક નગરમાં વાસ કરતી વખતે તેણે ધર્મની ઉન્નતિને સારૂ પુષ્કળ પુણ્ય કાર્યો કર્યાં હતાં અને ૬૯ વર્ષની વયે પરિનિર્વાણ પદ પ્રાપ્ત કર્યું હતું. સિંહલના રાજાએ અત્યંત માનપૂર્વક સંઘમિત્રાની અંત્યેષ્ટિ ક્રિયા કરી હતી.

ભારતવર્ષની દરેક મહત્તાસૂચક વાતો ઉપર અશ્રદ્ધા રાખનાર અંગ્રેજ લેખકો પહેલાં તો ‘સંઘમિત્રા’નો ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવાને તૈયાર નહોતા; પરંતુ હવે તો વિન્સેંટ સ્મિથ જેવા પ્રસિદ્ધ ઈતિહાસ લેખક તેનું અસ્તિત્વ સ્વીકારે છે અને પોતાની પહેલાંની ભૂલ માને છે.❋[૧]


  1. ❋શ્રી. અમૃતલાલ ગુખના એક બંગાળી લેખ ઉપરથી.