પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૮૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



મહારાણીએ ધ્રૂજતે ધ્રુજતે કહ્યું: “તને ખબર નથી કે અજાતશત્રએ ઢંઢરો પિટાવ્યો છે કે, ‘જે કોઈ સ્તૂપની પૂજા કરશે તેને શૂળીએ ચઢાવવામાં આવશે, કાં તો દેશનિકાલ થશે.’”

શ્રીમતી ત્યાંથી નીકળીને ધીમે પગે રાજવધૂ અમિતાની પાસે ગઈ. રાણી એ વખતે શણગાર સજી રહી હતી. શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને તેના આવવાનું કારણ સમજી ગઈ અને ઠપકો દેવા લાગી. “મૂર્ખિ ! પૂજાની સામગ્રી અહીં લાવવાની તારી છાતીજ કેમ ચાલી ? હમણાં ને હમણાં અહીંથી ચાલી જા. કોઈ જોશે તો મોટો ગજબ થશે.

શ્રીમતી બીજા ઓરડામાં ગઈ, તો અસ્ત પામતા સૂર્યના પ્રકાશમાં બારી ખુલ્લી મૂકીને રાજકુમારી શુક્લા પડી પડી કવિતાનું પુસ્તક વાંચી રહી હતી. શ્રીમતીને પૂજાની સામગ્રી સહિત આવેલી જોઈને તે ચમકી ઊઠી અને ઝટ એની પાસે જઈને ધીમે ધીમે કહેવા લાગી:—

“રાજાની આજ્ઞા તું નથી જાણતી ? જાણીજોઈને મરણના મુખમાં જવા શા સારૂ નીકળી છે ?”

પૂજાની થાળી લઈને શ્રીમતી બારણે બારણે રખડી અને પોકાર કરવા લાગી. “હે નગરવાસીઓ ! પ્રભુની પૂજાનો સમય થયો છે.” એ સાંભળતાંવા૨જ લોકો ભય પામતા અને કોઈ તો એને ગાળો પણ દેતા. શ્રીમતી લોકોની દુર્બળતાનો વિચાર કરીને વિસ્મય પામવા લાગી.

એમ કરતાં કરતાં દિવસનો છેલ્લો પ્રકાશ બંધ પડ્યો, અંધકાર વ્યાપી ગયો અને માણસની આવજા બંધ પડી ગઈ. કોલાહલ શમી ગયો. રાજમંદિરમાં આરતીના ઘંટ વાગવા લાગ્યા.

શરદઋતુની એ અંધારી રાતે સ્વચ્છ આકાશમાં અસંખ્ય તારાઓ ઝબૂકી રહ્યા હતા.

આવે સમયે કોઈ બુદ્ધદેવના સ્તુપ આગળ જઈ શકે એમ ન હતું, પણ એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એક મનુષ્યાકૃતિ જોઈને ચમકી ઊઠ્યા. આગળ જઈને એમણે જોયું તો રાજાના બગીચાના એક ખૂણામાં ઘોર અંધારામાં બુદ્ધદેવના સ્તંભની ચારે તરફ દીપકની જ્યોત ઝગમગી રહી છે.