પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કે વહુ ધર્માત્મા છે, એને કાંઈ પણ વિઘ્ન આવવાનો સંભવ નથી. પછીથી એમણે વહુને પતિની શોધમાં જવાની રજા આપી.

દેવસ્મિતાએ સાસુને પગે પડીને આશીર્વાદ લીધો તથા પોતાની દાસીઓને સાથે લઈને પુરુષના વેશમાં વહાણમાં બેસીને એ કટાહ બંદરે પહેાંચી અને પોતાના પતિની દુકાનની પાસે મકાન ભાડે રાખીને ઠાઠમાઠથી રહેવા લાગી. મણિભદ્રે એને જોઈ; એણે જાણ્યું કે એનો ચહેરો પોતાની સ્ત્રીના જેવો છે, પણ તેનો વેશ પુરુષનો હોવાથી એને જઈને મળવાનું કે વાતચીત કરવાનું સાહસ એનાથી ન થયું. એણે એમ જાણ્યું કે, આ કોઈ મારા દેશના શેઠિયાનો પુત્ર છે.

કુસંગને લીધે મણિભદ્ર જુદાજ રંગમાં રંગાઈ ગયો હતો. એના જે ચાર મિત્રો તામ્રલિપ્તીનગરીથી પાછા આવ્યા હતા, તેમણે દેવસ્મિતા ઉપર વેર લેવાને માટે એની વિરુદ્ધમાં ઘણી ખરાબ ગપો મારી અને એમ કરીને મણિભદ્રના મનમાં પોતાની સતી સ્ત્રી માટે ખરાબ અભિપ્રાય બેસાડ્યો. દેવસ્મિતા ત્યાં રહીને એ દેશની શીખવા યોગ્ય બધી વાતો શીખી અને પછી એક દિવસ ત્યાંના રાજાની કચેરીમાં જઈને કહ્યું કે, “મારા ચાર ગુલામો નાસી આવીને આપના રાજ્યમાં સંતાઈ ગયા છે. આ૫ તપાસ કરીને એમને મારે સ્વાધીન કરો.” એ દેશનો રાજા સૂરસેન ઘણો ધર્માત્મા અને નીતિકુશળ હતો. એણે આ પરદેશી વેપારીની ફરિયાદ સાંભળીને કહ્યું: “તારા ગુલામોનો પત્તો દેખાડ, એટલે એમને બાંધી મંગાવીને તારે હવાલે કરીશું.” દેવસ્મિતાએ એ ચારેનાં નામ બતાવ્યાં. એ ચારે યુવકો એ રાજ્યના પ્રસિદ્ધ અને ધનવાન શેઠશાહુકારોના પુત્ર હતા. પહેલાં તો કાઈને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો પણ એમને પકડી મંગાવ્યા પછી રાજાએ પુરુષવેશધારી દેવસ્મિતાને પૂછ્યું કે, “જેમને તું દાસ કહે છે એ તો મારા રાજ્યના ધનાઢ્ય શાહુકારોના પુત્રો છે. તું છેતરાય છે. એમનું અપમાન કરવાની કસૂરમાં તું પોતે કંઈ ફસાઈ ન જાય.”

દેવસ્મિતાએ કહ્યું: “મારા દાસોના માથામાં કૂતરાના પંજાનું ચિહ્‌ન હોય છે. આ લોકોએ પાઘડીની નીચે એ ચિહ્‌નને સંતાડી દીધું છે. આપ એમની પાઘડી ઉતરાવીને જાતે જુઓ કે એ મારા દાસ છે કે નહિ ?” જ્યારે રાજાની આજ્ઞાનુસાર તેમની