પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

९२–भारती

સ્વામી શંકરાચાર્ય જે વખતે બૌદ્ધધર્મના પાશમાંથી હિંદુધર્મને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને પોતાનો વેદાંતમત પ્રતિપાદિત કરવાને દેશમાં ઠેકાણે ઠેકાણે ભ્રમણ કરી રહ્યા હતા, તે વખતે તેમને એ ધર્મપ્રચારના કાર્ય માં એક સ્ત્રીએ ઘણી મદદ આપી હતી. એ રમણી મંડનમિશ્ર નામના પંડિતની સ્ત્રી ભારતીદેવી હતી. ભારતી એક મહાન વિદુષી સ્ત્રી હતી.

મંડનમિશ્ર સાથે શંકરાચાર્યને એક વખત શાસ્ત્ર સંબંધી વાદવિવાદ થયો. એ વાદવિવાદ કરતાં પહેલાં શંકરાચાર્યે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું આ વાદવિવાદમાં હારૂં તો મારે સંન્યસ્ત ત્યજી દેવો અને મંડનમિશ્રના શિષ્ય થઈને રહેવું.” અને મંડનમિશ્રે પ્રતિજ્ઞા કરી હતી કે, “જો હું વાદવિવાદમાં હારૂં તો મારે સંસારનો ત્યાગ કરીને શંકરાચાર્યના શિષ્ય બનવું.” બન્ને ધૂરંધર પંડિતો હતા, એટલે એમનો વાદવિવાદ કાંઈ સાધારણ હોય એમતો બને જ નહિ. હવે આ વાદવિવાદમાં મધ્યસ્થ કોણ થાય ? બન્ને પંડીતોનો ફેંસલો આપવાની શક્તિ ધરાવનાર મહાપંડિત કોણ હોય ?

પરંતુ એ લોકોને મધ્યસ્થની શોધમાં ઘણે દૂર જવું પડ્યું નહિ. મંડનમિશ્રની સ્ત્રી ભારતીદેવીને એ સન્માન આપવામાં આવ્યું. એ ઉપરથીજ સમજી શકાશે કે એ કેટલી વિદ્વાન હશે !

વિવાદ શરૂ થઈ ગયો. ભારતી જયમાળા હાથમાં પકડીને બેસી રહી, એ માળા કોના ગળામાં અર્પણ કરવી, કોણ એ જયમાળા પહેરવાને યોગ્ય છે, એનો એ ધીરજથી નિર્ણય કરતી બેસી રહી. બન્નએ યોગ્ય મધ્યસ્થના હાથમાં જ પોતાનો કેસ સાંપ્યો હતો. ભારતીદેવી પણ પોતાની જવાબદારી સમજતી હતી. તેણે જોયું કે સ્વામી મંડનમિશ્ર પોતાના પક્ષનું સમર્થન કરવામાં નિષ્ફળ