પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
માયાદેવી



એક વરસ આ પૂર્ણિમાને દિવસે માયાદેવીએ આંધળાંપાંગળાં વગેરે અનાથોને અને શ્રમણ બ્રાહ્મણોને પુષ્કળ દાન દીધાં અને રાતે ઘણોખરો વખત શાસ્ત્રની કથા સાંભળવામાં ગાળ્યો.

એ રાતે સૂઈ ગયા પછી એમને સ્વપ્ન આવ્યું કે, ચારે દિશાના રક્ષક દેવો તેમને ઊંચકીને હિમાલય પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં એક વિશાળ શાલ વૃક્ષની નીચે મૂકી દીધાં. પછી એ ચારે દેવોની સ્ત્રીઓએ આવીને માયાદેવીને દિવ્ય ગંધોદકથી સ્નાન કરાવ્યું અને દિવ્ય વસ્ત્રાલંકારથી શણગારીને એક સુવર્ણ વિમાનમાં ઉત્તમ પલંગ ઉપર પૂર્વમાં માથું કરીને સુવાડ્યાં. પછી એક ધોળો હાથી ત્યાં આગળ આવ્યો અને પોતાની રૂપેરી સૂંઢમાં એક શ્વેત કમળ ઘાલીને માયાદેવીની ત્રણ પ્રદક્ષિણા કરી અને તેમની જમણી કૂખમાં થઈને ધીરે ધીરે તેમના પેટમાં પેઠો.

પ્રાતઃકાળે રાણીએ સ્વપ્નની વાત સ્વામીને જણાવી. રાજાએ બ્રાહ્મણો તથા જોશીઓને બોલાવીને સ્વપ્નનું વૃત્તાંત જણાવ્યું અને તેનું ફળ પૂછ્યું.

બ્રાહ્મણોએ કહ્યું: “એનો અર્થ એ છે કે, મહારાણીને પેટે એક મહાન પુરુષ જન્મવાનો છે. એ જો ગૃહસ્થાશ્રમમાં રહેશે તો ચક્રવર્તી રાજા થશે. સંન્યાસી થશે તો બુદ્ધ થઈને જગતનું અજ્ઞાન દૂર કરશે.”

આજથી મહારાણી માયાનું માન વધ્યું. રાજા બહુજ પ્રેમ અને કાળજીપૂર્વક એની સાથે વર્તન રાખવા લાગ્યો.

માયાદેવી સગર્ભા થયાં. મૂળથીજ એમનો સ્વભાવ દયાળુ હતો, પણ સગર્ભા થયા પછી જનસમાજ પ્રત્યેની દયામાં વધારોજ થતો ગયો. વિષયવાસના એમના હૃદયમાંથી તદ્દન ચાલી ગઈ.

નવ માસ પૂરા થવા આવ્યા, એવામાં એમને પિયેર જવાની ઈચ્છા થઈ. કપિલવસ્તુથી દેવદહ જતાં માર્ગમાં લૂંબિની નામના એક સુંદર બગીચામાં તેમણે પડાવ નાખ્યો હતો. ત્યાં આગળ જ તેમને પ્રસવપીડા થઈ અને બોધિસત્ત્વ–ગૌતમબુદ્ધનો જન્મ વૈશાખ સુદિ પૂર્ણિમાને દિવસે થયો. એ પુત્રનું નામ સિદ્ધાર્થ પાડ્યું.

પુત્રના પ્રભાવને જોઈને માયાદેવી હર્ષઘેલાં થઈ ગયાં, અને સિદ્ધાર્થ સાત દિવસનો થયો એટલામાં તો એ દેવલોકમાં સિધાવ્યાં.