પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
મહાપ્રજાપતિ ગૌતમી


સ્ત્રીઓના અધિકારની બાબતમાં એક સુવર્ણાક્ષરે નોંધી રાખવા યોગ્ય દિવસ હતો. મહાપ્રજાપતિ એ ભિક્ષુણીસંઘના પ્રમુખ બન્યાં. બુદ્ધદેવે એ ભિક્ષુણીઓને ધર્મનો ઉપદેશ સમજાવ્યો. થોડી વારમાં એમની યોગ્યતા જોઈને બુદ્ધદેવે એ ભિક્ષુણીઓને ભિક્ષુઓના બીજા પણ અધિકાર સહિત સ્વતંત્રતા આપી. ત્યાર પછી તેમને ‘ઉપસંપદા’ મળી. એ સમયે પૂરા હક્ક પ્રાપ્ત થયા અને ભિક્ષુઓના મંડળમાં સર્વ વાતમાં મત આપવાનો અધિકાર એ સ્ત્રીઓને મળ્યો. મહાપ્રજાપતિ તો પૂર્વજન્મનાં સંસ્કારી સ્ત્રી હતાં, એટલે બુદ્ધદેવના ઉપદેશથી થોડા સમયમાંજ એમને સમાધિયોગ પણ પ્રાપ્ત થયો અને એકાગ્રચિત્તે ધ્યાન અને અનુષ્ઠાન કરીને અલૌકિક શક્તિ અને જ્ઞાન વડે અર્હત્ પદ પ્રાપ્ત કર્યું. ગૌતમીએ સ્થાપેલો આ ભિક્ષુણીસંઘનો ઈ. સ.ના ચોથા શતકમાં લોપ થયો, એવો આચાર્ય કૌશાંબીનો અભિપ્રાય છે. આજકાલ બ્રહ્મદેશમાં પણ એવા પ્રકારની એક સંસ્થા છે જેમાં સ્ત્રીઓને ‘દશ શીલધારિણી’ ઉપાસિકા કહે છે. અસ્તુ !

એક દિવસ ભગવાન બુદ્ધદેવ જેતવન વિહારમાં સ્થિતિ કરી રહ્યા હતા, તે વખતે તેમણે દરેક ભિક્ષુણીને તેમના ગુણ અને યોગ્યતાનુસાર દરજ્જો આપ્યો હતો. એ પ્રસંગે એમણે ગૌતમીને સૌની અધ્યક્ષ બનાવી હતી અને ગૌતમીએ કૃતજ્ઞતાપૂર્વક બુદ્ધદેવ આગળ કેટલીક આત્મજ્ઞાન અને વૈરાગ્યસૂચક અમૂલ્ય ગાથાઓ ગાઈ હતી.

એક સમયે બુદ્ધ ભગવાન વૈશાલી નગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં સ્થિતિ કરતા હતા, તે વખતે ગૌતમી દેવી ત્યાંની ભિક્ષુણીઓના ઉપાશ્રય (અપાસરા)માં નિવાસ કરતી હતી. એક દિવસ વૈશાલી નગરમાં ભિક્ષા માગી આવીને ગૌતમી દેવી પોતાના વિશ્રામસ્થાનમાં જઈને વિચારવા લાગી: “બુદ્ધનું પરિનિર્વાણ અથવા દેહત્યાગ મારાથી દેખી શકાશે નહિ. તેમના પ્રધાન શિષ્ય યુગલ, તેમના રાતદિવસના સેવક આનંદ, મારો પૌત્ર રાહુલ અને પુત્ર નંદકુમારના દેહત્યાગનો દેખાવ પણ મારાથી કદી જોઈ શકાશે નહિ. માટે એ સર્વને પૂછીને મારે તેમની પહેલાં જ આ દેહત્યાગ કરવો એ ઠીક છે.” આવા વિચારથી એણે બુદ્ધદેવને પોતાને ત્યાં તેડાવ્યા. બુદ્ધદેવ વિમાતા ગૌતમીના ઘરમાં પધાર્યા એટલે ગૌતમીએ તેમના ચરણમાં પડીને નમસ્કારપૂર્વક