પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
મહાપ્રજાપતિ ગૌતમી



થેરીગાથામાં મહાપ્રજાપતિ કહે છે: “બુદ્ધવીર ! હું તમને નમસ્કાર કરૂં છું. તમે સર્વ સત્તા છો, સૌથી શ્રેષ્ઠ છો; મારા જેવી કેટલીયની દુઃખરૂપી જ્વાળા તમે બુઝાવી છે. દુઃખનું નિદાન હવે મેં જોયું છે. સઘળાં દુઃખનું મૂળ કારણ જે તૃષ્ણા તે હવે મારામાંથી સુકાઈ ગઈ છે; કેમકે તમે આપેલા જ્ઞાન વડે મેં ધર્મનાં શ્રેષ્ઠ આઠ અંગોને પ્રાપ્ત કર્યાં છે. પૂર્વ જન્મમાં માતા, પુત્ર, પિતા અને ભાઈરૂપે ઘેરે ઘેર ભટકી છું, પણ હવે મેં ભગવાનને ખોળી કાઢ્યા છે. આ મારો છેલ્લો જન્મ છે. મારી સંસારની ગાંઠ છૂટી ગઈ છે. આ ભિક્ષુણીને હવે ફરીથી જન્મવાનું ને મરવાનું રહ્યું નથી. જુઓ ! દૃઢ પરાક્રમપૂર્વક બધા સાધુમાર્ગમાં વિચરણ કરી રહ્યા છે. જીવનમાં સાધુતા પ્રાપ્ત કરવી, એજ બુદ્ધિની સૌથી સારી વંદના છે.

“હે ગૌતમ ! મારી માયા બહેને લોક હિતને ખાતરજ તમને જન્મ આપ્યો હતો. તમે દુઃખ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ, મૃત્યુ અને શોકનાં રુદનને હરી લીધાં છે.”