પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



તેની આંખોમાંથી અશ્રુધારા છૂટી, સ્વામીનું મુંડન કરાવેલું શિર અને ગરીબ ભિખારી જેવો વેશ જોઈને ગોપાથી પોતાના હૃદયના આવેશને રોકી શકાયો નહિ.

ઘણી વાર સુધી રોઈને આખરે એણે મનને શાંત કર્યું. મનમાં ને મનમાં એ વિચારવા લાગી: “છી ! હું આ શું કરૂં છું ? હું કયા દુઃખથી જોઉં છું ? હું દેખતી નથી કે તેમના ચરણારવિંદથી નગર ઝગઝગાટ થઈ ગયું છે. તેમના દર્શનથી નગરવાસીઓનાં મોં ઉપર કાંઈ દિવ્ય પ્રકાશજ જણાઈ આવે છે અને હું તેમની ધર્મપત્ની છું. હું રુદન કરી રહી છું ! હાય ! વેશાભૂષણહીન હોવા છતાં પણ, એ મૃર્તિ અતુલ જ્યોતિર્મય છે. એની આગળ રાજતેજ શા હિસાબમાં ? એ પૂર્ણ શાંતિ અને જ્યોતિર્મય મહામૂર્તિ મારા સ્વામી છે. એજ મારા સ્વામી આજે મનુષ્યરૂપમાં દેવતા છે. આજ એમણે ભોગવિલાસનો ત્યાગ કર્યો છે, સુખદુઃખથી તે અતીત છે. આજ રાજવેશ અને ભિક્ષુક વેશમાં તેમના મનથી કાંઈ ભેદ નથી. આજ રાજમહેલનો રાજા અને ગરીબભિખારીની ઝુંપડીની ભાજી એમને મનથી સમાન છે. અહા ! આજ એ કેવા મહાન, કેવા ઉચ્ચ છે ! તેમના અમૃતમય ઉજ્જવળ દેહને હું પાર્થિવ વેશાભૂષણથી ઢંકાયેલું જોવાની ઈચ્છા રાખતી હતી !! આજ મારે સ્વામીના મહત્ત્વના ગૌરવથી પોતાને ગૌરવાન્વિત સમજવી જોઈએ; ન કે આમ મોહાંધ સ્ત્રીની પેઠે રોવું જોઈએ. જો મારામાં એટલું પણ મહત્ત્વ ન હોય તો પછી એવા મહાપુરુષની સ્ત્રી ગણાવું ફોગટ છે.”

ગોપા અગાશીમાંથી બે હાથ જોડીને ભક્તિપૂર્વક દેવતારૂપી સ્વામીને નમસ્કાર કરીને નીચે ઉતરી.

બુદ્ધદેવ નિમંત્રિત થઈને રાજનગરીમાં આવ્યા હતા, પણ સ્વામીના સંન્યસ્તવ્રતમાં ભંગ પડે એ બીકથી ગોપા તેમનાં દર્શન કરવા ગઈ નહોતી. બાળક પુત્ર રાહુલને બોલાવીને અંતઃપુરમાંથી બુદ્ધદેવને દેખાડીને ગોપાએ કહ્યું: “બેટા ! આ તારા પિતાજી. જા, એમને પ્રણામ કરીને એમની પાસે પિતૃધનની પ્રાર્થના કર !”

હાય ! ગોપા ! રાહુલનું પિતૃધન હવે કઠોર સંન્યાસ છે એ તને ખબર નથી ? સ્વામીના સંન્યાસથી તું સંન્યાસિની થઈને