પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
વિશાખા મિગારમાતા



બૌદ્ધ ભિક્ષુ અહીં ભિક્ષાર્થે આવતાં તે આપને પરવડશે નહિ અને એ નિર્ગ્રંથ આવતાં તેમને હું નમસ્કાર કરનાર નથી. આ બાબતમાં કોઈ નિર્ણય કર્યા સિવાય મારા અહીં રહેવાથી આપને કે મને સુખ થનાર નથી.”

મિગાર બોલ્યો: “તારી ઈચ્છા મુજબ તું વર્તજે; મને તેમાં કાંઈજ હરકત નથી. મારે ઘેર પુષ્કળ ધનદોલત છે. બૌદ્ધ ભિક્ષુને આમંત્રણ કરી તું જમાડે તો તેથી હું કાંઈ દરિદ્રી થઈ જવાનો નથી. હું મારા નિર્ગ્રંથોને અન્નદાન કરીશ અને તું યથાવકાશ તારા બૌદ્ધ ભિક્ષુકોને અન્નવસ્ત્રાદિકનું દાન કરજે.”

વિશાખાએ બીજેજ દિવસે બુદ્ધ અને ભિક્ષુ સંઘને નિમંત્રણ કર્યું. આ સમાચાર નિર્ગ્રંથોને માલૂમ પડતાં જ તેઓ મિગાર શ્રેષ્ઠીને મળ્યા અને બૌદ્ધભિક્ષુઓને કરેલા નિમંત્રણ વિષે તેમનો ખુલાસો માગ્યો.

મિગાર બોલ્યોળ્ “મારી પુત્રવધુ કાંઈ નાના સૂના કુળની નથી. તેની જોડે દાસી પ્રમાણે વર્તાવ કરવો શક્ય નથી. મારા ઘરમાં જો સુખ વર્તાવવું હોય તો મારી પુત્રવધૂને મારે યોગ્ય સ્વાતંત્ર્ય આપવું જ જોઈએ.”

નિર્ગ્રંથ બોલ્યા: “બૌદ્ધ ભિક્ષુઓને તારે ઘેર આવવાની જો તું મનાઈ કરી શકતો ન હોય, તો તું તેનાં દર્શન કરવા ન જતો. એટલું તો જરૂર કરજે. બુદ્ધ મોટો માયાવી છે. તે લોકોને મુગ્ધ કરી, પોતાના પંથમાં ખેંચી લે છે એવું અમે સાંભળ્યું છે, માટે વિશાખા ગમે તેટલો આગ્રહ કરે તોયે તું તેના દર્શને જઈશ નહિ.”

મિગારે બુદ્ધ કે બૌદ્ધભિક્ષુનાં દર્શન ન કરવાનું વચન આપ્યાથી નિર્ગ્રંથ પોતાને આશ્રમે પાછા ફર્યા.

બીજે દિવસે વિશાખાએ ભોજનની સર્વ તૈયારી કરી. બુદ્ધ અને ભિક્ષુઓને બોલાવી, ઘણા આદરસત્કાર સહિત જમાડ્યા. ભોજન પછી વિશાખાએ પોતાને તથા ઘરનાં સર્વ માણસોને ધર્મોપદેશ કરવાની બુદ્ધગુરુને વિનતિ કરી, પણ આ ઉપદેશ સાંભળવા મિગાર આવ્યો નહિ. વિશાખાએ અત્યંત આગ્રહ કર્યાથી તેણે પડદાની આડે બેસી ધર્મોપદેશ સાંભળવા કબૂલ કર્યું, બુદ્ધનું મુખ માત્ર તેને જોવું ન હતું ! વિશાખાએ એક બાજુએ પડદો બાંધી પોતાના સસરાને બેસવાની સગવડ કરી.