પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સર્વ મંડળી ભેગી થયા પછી બુદ્ધે પોતાની અમૃતતુલ્ય વાણીથી તેમને ઉપદેશ કર્યો. દાન, શીલ, ભાવના ઈત્યાદિ વિષય સંબંધે બુદ્ધે કરેલે બોધ સાંભળી મિગાર શ્રેષ્ઠીને ઘણું લાગી આવ્યું. આવા મહાપુરુષ પોતાને ઘેર આવ્યા છતાં પોતે મૂર્ખાઈથી તેનાં દર્શન કરવા તૈયાર નથી, એ વિચારથી એને ઘણો પશ્ચાત્તાપ થયો. તેથી એકદમ પડદો દૂર ખસેડી નાખી બહાર દોડી આવી, તેણે બુદ્ધના ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું. તે બોલ્યો: “ભગવન, મારા અપરાધની ક્ષમા કરો. આજથી હું આપનો ઉપાસક થયો છું. આ બાબતમાં વિશાખા મારે માતા સમાન છે. તે જો મારે ઘેર આવી ન હોત, તો આ૫ની અમૃતવાણી મારે કાને ન પડી હોત. તેથી આજથી હું તેને મારી માતાજ કહેતો જઈશ.”

ત્યારથી વિશાખાનું મિગારમાતા એવું નામ પડ્યું. શ્રાવસ્તિના ઘણાખરા લોકો તેને મિગારમાતા નામથી જ ઓળખતા. તેણે બુદ્ધને અને ભિક્ષુસંઘને રહેવા માટે પૂર્વારામ નામના ઉદ્યાનમાં એક પ્રાસાદ બાંધ્યો હતો. જેને ‘મિગારમાતા પ્રાસાદ’ કહેતા. શ્રાવસ્તિમાં વિશાખાના ડહાપણની અને નીતિમત્તાની કીર્તિ તરતજ પ્રસરી અને રાયથી રંક સૌ કોઈ તેના તરફ આદરબુદ્ધિથી જોતા. મંગળ કાર્યો અને ઉત્સવમાં વિશાખાને પહેલું આમંત્રણ દેવાનો વહીવટ ચાલુ થયો. શ્રાવસ્તિની બૌદ્ધ ઉપાસિકાઓમાં તે પ્રમુખ હતી. આવતાજતા અને રોગગ્રસ્ત ભિક્ષુઓની માવજત તરફ તે ઘણું લક્ષ આપતી* [૧]


  1. * પ્રૉફેસર કૌશામ્બીના ‘બુદ્ધલીલાસારસંગ્રહ’ નામના ઉત્તમ ગ્રંથમાંથી તેમની રજાથી ઉપકાર સહિત આ ચરિત્ર ઉતારવામાં આવ્યું છે.