પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સારૂજ એ મારી પાસે આવ્યા છે. ચિંતાનું કારણ શું છે તે કળી જતાં પણ એને વાર લાગી નહિ; છતાં એણે પૂછ્યું “બાપુ ! આપને શું થયું છે ? આજ આપનો ચહેરો ઊતરી કેમ ગયો છે ?” પુત્રીના આ કોમળ અને હૃદયસ્પર્શી શબ્દોએ પિતાના હૃદયને આઘાત કર્યો. મહાપ્રયત્ને મનને સ્થિર રાખીને એમણે કહ્યું: “દીકરિ ! આજકાલ હું શી અમૂંઝણમાં પડ્યો છું, એ તું કળી શકી હોઈશ, એમ હું ધારૂં છું. જંબુદ્વીપના અનેક રાજકુમારો અને શેઠ લોકોનાં તારે સારૂ માગાં આવ્યાં છે. તું જાણે છે કે હું એ બધાની ઈચ્છા પૂરી કરી શકું એમ નથી. તારા જેવી સુંદર અને વિદુષી કન્યા ગમે તેને વગરવિચાર્યે હું આપી શકીશ નહિ. તારા લગ્નનિમિત્તે મોટો ઝઘડો ઊભા થવાનો મને ભય રહે છે; માટે મેં એક ઉપાય શોધી કાઢ્યો છે.”

ઉત્પલવર્ણાએ કહ્યું: “પિતાજી ! ફરમાવો. આપે કયો ઉપાય શોધી કાઢ્યો છે ? સંકોચ ન રાખો, દિલ ખોલીને વાત કરો.”

પિતાએ કહ્યું: “મારો તારા ઉપર કેવો અને કેટલો બધો પ્રેમ છે એ તું જાણે છે, એટલે તારે માટે એ સૂચના કરતાં મારા હૃદયમાં કેટલું દુઃખ થતું હશે તેની તને કલ્પના આવી શકશે, છતાં સંયોગો જોતાં મને બીજો કોઈ માર્ગજ સૂઝતો નથી. કહે બહેન, તુ સંસાર ત્યજીને પ્રવજ્યા લેવાને તૈયાર છે ?”

છેલ્લું વચન ઉચ્ચારતાં પિતાના જીવને કાંઈ કરાર વળ્યો. ઉત્પલવર્ણાએ પિતાનાં વચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા તથા તેમના મુખ ઉપર થતા ફેરફારનું બારીકીથી અવલોકન કર્યું. પોતાને લીધે પિતા કેવી સંકડામણમાં આવી પડ્યા છે તે વાત તેના સમજવામાં આવી. ઘણા સાહસથી તથા કુમારીસુલભ દિવ્યતાથી એણે કહ્યું: “બાપુ, આપ જરાયે મૂંઝાશો નહિ. હું સારા કુળની કન્યા છું. મારા પિતાનું જેમાં કલ્યાણ હોય તેજ કામ મારે કરવું જોઈએ અને એજ હું કરીશ.” વાત એ હતી કે ઉત્પલવર્ણા પૂર્વજન્મની પણ સંસ્કારી કન્યા હતી. પૂર્વજન્મોમાં તેણે ગૌતમબુદ્ધના પૂર્વાવતારે પદ્મોત્તર બુદ્ધની સારી પેઠે સેવાચાકરી કરી હતી. એ વખતે પદ્મોત્તર બુદ્ધ એક ભિક્ષુણીને ઋદ્ધિમતી કહીને આગળ પડતું સ્થાન આપ્યું હતું. તે વખતથી એના મનમાં પણ એવું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ હતી. એ દિવસથી એણે સાધુસંતની ઘણી સેવા કરવા માંડી