આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પૂજારિણી:


તો નહિ, પણ આંખો મીંચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બડબડ્યા કરતી. એની કાલીઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય, તેમ આ દાસી છાનીછાની હસ્યા કરતી.

રાજઆજ્ઞા એણે સાંભળી હતી.

ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી, બોલી કે “બા, પૂજાનો સમય થયો.”

મહારાણીનું શરીર થરથરી ઊઠ્યું. ભયભીત બનીને એ બોલ્યાં: 'નાદાન ! નથી જાણતી? સ્તુપ ઉપર ધૂપદીપ કરનારાને કાં તો શૂળી મળશે, કાં તે કાળું પાણી મળશે. ભાગી જા ગોલી ! પૂજાનું નામ હવે લેતી ના !'

શ્રીમતી પાછી વળીને રાજરાણી અમિતાને ઓરડે પહોંચી. રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતાં હતાં ને સેંથામાં છટાથી હીંગળો પૂરતાં હતાં.

શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝબક્યાં, હાથ હલી જવાથી એને સેંથો વાંકોચૂકો થઈ ગયો.

શ્રીમતી કહેઃ “રાણીજી, પૂજાનો સમય થયો.”

રાણી બોલ્યાં : “સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું ? જલદી ચાલી જા આંહીંથી. કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે, મૂરખી ! પૂજાના દિવસો તો ગયા.”

આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉઘાડીને રાજકુમારી શુક્લા એકલાં પડ્યાં પડ્યાં કવિતાનું પુસ્તક વાચવામાં મગ્ન હતાં.