આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ફૂલનું મૂલ :


શી જતના કરી રહ્યો હતો ! એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિન્દુ પણ સુદાસે નીચે પડવા ન દીધું.

એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો. કમળને જોતો જોતો એ પુરુષ પાસે આવ્યો. સુદાસને પૂછ્યું : 'ફૂલ વેચવાનું છે?'

'રાજાજીને ધરવાનું છે.' સુદાસે ટૂંકો ઉત્તર દીધો.

'મારે તો રાજાના પણ રાજાજીને ધરવા મન છે. આજે બુદ્ધદેવ પધાર્યાં છે, બોલો, શું દામ લેશો ?'

'પણ હું એક માષા[૧] સુવર્ણની આશા કરીને નીકળ્યો છું.'

'કબૂલ છે.'

ત્યાં તો નોબત ગડગડી. શરણાઈનો સૂર આવ્યો. કુંકુમ-ચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે. રાજા પ્રસેનજિત પગે ચાલતા બુદ્ધદેવનાં દર્શને ઊપડ્યા છે. નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે.

કમળ જોઈને રાજા હર્ષ પામ્યા. મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની જ ઉણપ હતી તે પૂરી થશે. રાજાજીએ પૂછ્યું : 'ફૂલનું શું મૂલ લઈશ, સુદાસ ?'

સુદાસ કહે : 'મહારાજ ! ફૂલ તો આ સજ્જને રાખી લીધું.'

'કેટલી કિંમતે ?'


  1. *સોનું તોળવાનું પ્રાચીન કાલનું માપ