આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિવાહ:



છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરીઆળી વેલ્ય, ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ, નદીને પેલે પાર ઊતરી ગઈ, સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય ! ઓ દેખાય ! ઓ આકાશમાં મળી જાય ! ઓ શર- ણાઈનો સૂર સંભળાય !

અધરાત થઈ, અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજ- કુમારી આવી પહોંચી.

નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે.

પ્રજાજનો બૂમ પાડી ઊઠયા : 'શરણાઈ બંધ કરો.'

શરણાઈ બંધ પડી. દાસદાસીએાએ પૂછયું : 'શી હકીકત છે ?'

નગરજનો બોલી ઊઠયાઃ 'મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે એને અગ્નિદાહ દેવાશે.'

કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુંનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપકયું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી : 'ખબરદાર ! શરણાઈ બંધ કરશો મા ! આજે અધૂરાં લગ્નો પૂરાં કરશું, છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું, આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિઓની મહાન મેદિની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું.'