આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૩૨



'નથી એાળખતા, કાશીરાજ ? એટલામાં શું ભૂલી ગયા ? ઝીણી નજરે નિહાળી લો, આ કેશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું ?'

'કોશલના સ્વામી ! હું આ શું જોઉં છું ? આ તે સત્ય છે કે સ્વપ્ન?'

'સ્વપ્ન નહિ, રાજા ! સત્ય જુવો છો. ચાલો, જલદી ખડગ ચલાવો, આ વણિકની આબરૂ લૂંટાય છે.'

ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવીને કહ્યું : 'વાહ વાહ, કોશલપતિ ! મારું આટઆટલું માનખંડન કર્યું, ને હજી યે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે ! ના, ના, હવે તો આપની એ બાજીને હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ.'

એટલું કહી, એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશી રાજે મુગટ પહેરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યો, ને પછી ઊભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યું : 'હે કોશલરાજ ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું, બદલામાં તમારું માથું લઉં છું : પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.'