આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૪૮



રોજ સંધ્યાકાળે ને પ્રભાતે એ વૃદ્ધ ગુરુ એ બાલકની સાથે બાલક બનીને રમતો રમે છે, પોતે પરાણે પણ બાલકને હસાવે છે, બાલકની નાની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે, બાલક પણ 'બાપુ, બાપુ,' કરતો ગુરુને અવનવી રમતે બતાવતો રહે છે.

ભક્તાએ આવી ગુરુના કાનમાં કહ્યું કે 'આ શું માંડયું છે, ગુરુજી ? આ વાઘનું બચ્યું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય હો ! અને પછી પસ્તાવો થશે. દુશમનને કાં પંપાળો ? વાઘનું બચ્યું મોટું થશે ત્યારે એના નહોર નખ બહુ કાતિલ બનશે.'

હસીને ગુરુ કહે : 'વાહ વાહ ! એ તો મારે કરવું જ છે ને ! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખાવું?'

જોતજોતામાં તો બાલક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાતદિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુજીના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે એ ગુરુના પુત્રહીન, શૂન્ય હદયમાં આ પઠાણ-બાલકે પુત્રનું આસન લીધું. એકલા એકલા ગુરૂજી આ બધું જોઈને મનમાં હસતા.

પઠાણબચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે 'બાપુ, આપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.'