આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧

છેલ્લી તાલીમ :


બોલ્યો : 'હાય રે ગુરુદેવ ! આજ શયતાનની સાથે આવી રમત કાં આદરી ! ખુદા જાણે છે કે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. આટલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા, આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું ? ઝનૂનને શા માટે જગાડું ? પ્રભુ, તમારા કદમની ધૂળ જ હરદમ મારે હાથે પહોંચતી રહેજો.'

એટલું બોલીને પઠાણે દોટ દીધી, એ ઘોર જંગલ માંથી એકશ્વાસે બહાર નીકળી ગયો, પાછળ જોયું નહિ, પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઊભો રહ્યો ત્યારે શુક્રતારા ઊંંચેથી સ્નેહધારા વરસાવી રહી હતી.

ગુરુ ગેવિંદ એ ઘેાર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ, જિંદગીના છેલ્લા પાપનું બંધન કાપીને આજ તે એને ચાલી નીકળવું હતું. એ ઝંખના તો અણપૂરી જ રહી ગઈ.

તે દિવસથી પઠાણ ગુરૂદેવથી દૂર ને દૂર રહે છે, ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે, “બાપુને જગાડવા પરોડિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રિયે પોતાની પાસે કાંઇ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણીવાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી.

બહુ દિવસો વીત્યા, એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી.