પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧ )

આ પૅર અહિં શાન્તિમાં શાન્ત લીલા પસરી
રહ્યું વિશ્વ ન્હાનુંશું આંહિ ધીર આનન્દ ધરી. ૧૨

આ ઈતર જગતમાં શાન્તિ અને આનન્દ વસે,
નવ દીસે કો સ્થળ ક્લેશ નિરન્તર હર્ષ હસે; ૧૩

તો શ્રેષ્ઠ મનુજનું જગત કેમ ક્લેશે ભરિયું ?
ક્યમ દ્વેષવિરોધતરઙ્ગ વડે ક્ષોભિત કરિયું ? ૧૪



સરોવરમાં ઊભેલો બગ

રોળાવૃત્ત

ભૂરો મ્હોટો ઉપર વ્યોમમણ્ડપ તાણેલો,
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો !
હેમાં આ ઊજળો બરફશો બગ ઊભેલો.
ને ચૉગમ સૂકું રાન પડ્યું જે’નો નહિં છેડો; ૧

તે મૂકીને પાર્ય નજર બગ નાંખે લાંબી,
કરીને ઊંચી ડોક, જુવે જ્યહાં ભૂમિ વિરામી,
ને વળી ત્હેની પાર્ય ઊંડાં નભમાંહિં નિહાળે,
નવ લેખે નિજ છાય પડી જે જળમાં મ્હાલે. ૨

હું પણ આ જગરાન મહિં ઊભો રહી ઝાંખું,
જીવનકેરું ક્ષિતિજ,દૃષ્ટિ વળી ઊંડી નાખું,
નાંખી નિરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળ માંહિં. ૩