પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૫ )


મન શું ડગે ! વસું છું હું જ્યાંહિં સરિત બંને ભેટતી,
મિશ્રગાન કરી મુજ વાસ તળે નાચીને જતી;
શોકજળમાંથકી કરું પાન કદી શોકનીરનું,
શોકજળમાંથી હર્ષનું નીર મીઠું પીઉં ધીર હું. ૭




મેઘવૃષ્ટિવાળી એક સાંઝ.

રોળાવૃત્ત

ગગન ઘેરી ઘનરાય ચૉગમે લીધું હાવે,
સૂર્યરાયનું અહિં લગીરે નવ કંઈ ફાવે;
ઘટાટોપ કરી ભવ્ય વિશાળો મંડપ રચિયો,
મલિનવર્ણ નિજ છત્ર ભરી જળતેજ મચિયો. ૧

ભૂરો વર્ણ જે વ્યોમ ભૂશી તે ક્ષણમાં નાંખ્યો,
મચાવિયું અંધાર, તદ્યપિ રંગ અનુપ રાખ્યો;
જળભર્યું અદ્ભુત તેજ, ચન્દ્રિકાથી જે ન્યારું,
ન્યારું રવિતેજથી, તેહ આ વ્યાપ્યું ગાઢું. ૨

નીલ વર્ણ તરુરાજતણો અહિં અધિક ગભીરો,
લીલાં ખેતર વિશે હસે વર્ણ રસીલો;
પદાતિદળસમ ઊભું વૃક્ષમંડણ આ સ્થળ જે
તે અન્તરમાંથકી દીસે શ્યામળ વાદળ તે. ૩

ઝરમર ઝરમર રવે ઝરે જળભરી વદળિયો;
અણદીઠી જે સંચરે ઉપર ધીરી શી સધળિયો;