પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૮ )

વૃષ્ટિવિપદસાગર વિશ્વ તરી ઊતરે,
આનન્દરવિ ઊગ્યો, કાન્તિ દીપી ભોમની. ૫

પણ મેઘવટા બીજે ક્ષણ શું આવશે !
ના ર્-હે સ્થિર મન, થાય શું કાંઇ ના કળે;
લોપી દઈ આનન્દરંગ, જે આ હસે,
ઘનમંડળ દમશે શું ફરીથી આ સ્થળે? ૬

આ જીવનના નિર્મળ વ્યોમ તળે ઘણાં
દુઃખવાદળાં ઘેરી ઝૂકે, તે સમે
સુખસૂર્ય રચે રંગ વિવિધ આશાતણા, -
નભ માંહિ, કહો, કેમ નિરંતર એ રમે? ૭

તો પણ એક દિને થાશે નભ નિર્મળું,
ને કહિં કહિં કદી ઘનછાંટા ર્-હે જુજવા,
અધિક રંગ તે રમ્ય ચીતરશે વાદળું,
ને મચશે આનન્દમધુકરો ગુંજવા! ૮




એક અદ્‌ભુત દેખાવ

રોળાવૃત્ત

અદ્‌ભુત રચનાયોગ રમ્ય આ રાત્રિ વિશે શો !
ચંદા વર્ષા સંગ રંગ રમતાં જ દીસે જો !
જળકુંડળમાં બેશી ચન્દ્ર વરસે શીળી ચંદા,
ચૉગમ પડી વાદળી ઝરે ઝરમર જળ મંદા. ૧