આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ્હેલી આવૃત્તિની અર્પણપત્રિકા.


સાધુચરિત નારાયણ હેમચન્દ્ર !—


શિખરિણી


ઊડી જે સ્વચ્છન્દા હૃદયગિરિથી કાવ્યસરિતા,
વહી ચાલી મન્દા કદી, કદી કુદી તેહ ત્વરિતા,
પછી શુષ્કારણ્યે પડી જ સહસા સૅર વિરમી,
કીધા યત્નો કોટિ તદ્યપિ લહરી પાછી ન રમી.

ભમંતો દેશોમાં અજબ કદી જાદૂગર તર્હિ
ચઢ્યો આવી સાધુ દીઠી સરિત ડૂબી રણ મહિં,
ભણી મન્ત્રો મોઘા કઠણ પથરે દંડ પ્રહાર્યો,—
અને જો ! ચાલ્યો ત્ય્હાં ઊછળી બળવેગે જળઝરો; ર

ફરી ચાલી પેલી કવિતસરિતા સત્વ રણે,
હજી ના સૂકાઈ;—વદું વદું હું તો ધન્ય તુજને;
તુને સાધુ શો! હું ઉપકૃતિ તણો આપું બદલો ?
સમર્પું લે આ એ સરિતલહરી–અર્થ સઘળો.
સ્નેહાઙ્‌કિ‌ત નરસિંહરાવ ભોળાનાથ.