પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૨ )


ત્હેને પણ પૂછું પ્રશ્ન પૂછ્યો નવ જે કોઇ—
અતિ ગૂઢ ભાવિનું ચિત્ર કદી હું સકીશ જોઈ ? ૭

અંધારપછેડી ઢાંકી વિશ્વ લેતો ઘેરી,
ચમકારા વીજળીતણા મહિં દેતો દેરી; ૮

કરતો ગર્જન કંઈ ઘોર મેઘ નભમાં મ્હાલે,—
ત્હેને પૂછું એ પ્રશ્ન-ભાવિ દીઠું કો કાળે ? ૯

સન્ધ્યા સલૂણી સુન્દરી ! ઉષા વળી લાજાળી !
હું પૂછું ત્હમને એ પ્રશ્ન, દિયો ઉત્તર વાળી. ૧૦

ઉન્નત ગમ્ભીર ગિરિમાળ, પહોંચી નભમંડળ જે,
આ ભાવિપ્રશ્ન ગમ્ભીર તુંથી કંઈ ઊકલશે ? ૧૧

ઘનઘોર રજની શામળી, ચળકતી ચંદા ને,
ગર્જંતો ઘેરો મેઘ, સલૂણી સન્ધ્યા ને, ૧૨

લાવણ્યમયી વળી ઊષા, ગિરિ નભ કોતરતા,—
સહુ સુણી પ્રશ્ન મુજ ઊંડો મૌન ઊંડું ધરતાં. ૧૩

આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;—
હા ! કૉણ એહવો આંહિં સંશય મુજ ટાળે ? ૧૪




માનવબુદ્‌બુદ

રોળાવૃત્ત

જનસમુદાય વિશાળ સિન્ધુ ત્હેમાં બુદ્‌બુદ હું
શો કરતો ફફડાટ ! મદે ભર્યું શું વળી કૂદવું !