પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૮ )


પ્રેમનાં સ્વરૂપ

રોળાવૃત્ત

સતારમાંથી ઊઠી મધુર સુર રમે પવનશું,
ને મૃદુ તુજ કણ્ઠથી ગાન જનમી જે ઘૂમતું,
કોયલ ટહુકો મીઠો મીઠો રવ નદીલહરીનો,
વનવેલી ચુમ્બતો પવન ત્હેનો સ્વર ઝીણો:- ૧

જન એ સહુનું નામ મધુરનાદ કરી ક્‌હેછે,
પણ એ ખોટું તમામ મ્હને નિશ્ચય દીસે છે;
સતારસૂર, તુજ ગાન, પવનનદીકોકિલરવ ને,
પ્રેમતણાં એ રૂપ બધાં ભાસે છે મુજને. ૨

ફૂલડાંમાં જે રહ્યો નાચતો ગન્ધ મધુરો,
ને મેઘધનુષ મહિં રંગમેળો જે પૂરો,
તે નવ હોય સુગન્ધ, નહિં એ રંગ રસીલા,
પ્રેમતણાં એ રૂપ, પ્રેમની એ તો લીલા. ૩

દિવ્ય કુસુમ એ પ્રેમ ધરે વિધવિધ આકારો,
પણ ઢાંક્યો ર્‌હે કેમ ? એહ સહુથકી છે ન્યારો.-
નાદ, ગન્ધ, ને રંગ-દિવ્ય કુસુમોની ગૂંથી
માળા અર્પું તુંને, વધુ શું મુજને તુંથી ? ૪