પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૬ )

નથી જોતી શું તું અનુપમ પ્રદેશો ઝળકતા,
પ્હણે પેલા સન્ધ્યાશિખરની પછાડી છૂપી રહ્યા ?” ૪

“અરે કય્હાં છે, ક્‌હો, એ, સહજ નહિં વાહી જઈશ હું.”
“પ્હણે ઘૅલી ! પેલા, અમળ પસર્યા, શું બીજું કહું ?
પ્હણે પેલો મેઘે કનકગિરિ લાંબો કીધ ઊભો,
પછાડી તે ઝંખે ભૂમિ, જહિં રહ્યાં છે ચિરસુખો.” ૫

“અરે વ્હાલા ! સ્વપ્નાં, સકળ તુજ એ તો કવિપણાં,
તૃષાપીડ્યાં દેખે મીઠું જળ સૂકે રાન હરણાં.”
“અરે કાં ભૂલે તું ? કવિત નીકળે એ ભૂમિથકી,
નહિં સ્વપ્નાં એ તો, સહજ ઊપલબ્ધિ હૃદયની.” ૬

“ભલે વ્હાલા ! જાઓ સફળકૃત થાઓ ઝટ પછી
અહિં આવો, લ્હાવો લ‌ઇશું બમણો ફરી મળી.”
“પ્રિયે ! માં તું મુને ગણતી તુજમાં પ્રેમવિમુખો,
જડ્યો તુંમાં મ્હારો જીવ, તુજમહિં છે મુજ સુખો. ૭

કશ્યું કાચા સૂત્રે હ‌ઇડું મુજ વ્હાલી ! સજડ ત્હેં,
જડ્યું પ્રેમે ત્હારા હૃદય સરસું તે નહિં છૂટે.—
સમર્પી આ મ્હારો જીવ સકળ આ ચુમ્બનમહિં
ત્હને આપું, લે આ,-લઈશ ફરી પાછો મળી ફરી." ૮