પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૩ )


અહિં શાન્તિશૂન્યતાપૂર સીચ્યું અંગો અંગે
ધારે ટેકરિયો સર્વ, વૃક્ષ પણ તે સંગે. ૪

ગમ્ભીરશાન્તિસરજળે વિશ્વ અહીનું ડૂબ્યું ---
અહિ ભય આશ્ચર્યનું સત્વ મૂર્તિમત શું ઊભું ! ૫

આ સ્થળ મીઠી નીંદરે સૂતી શાન્તિદેવી
ત્હેને ટેકરિયો સર્વ નિરખી રહી આ કે'વી ! ૬

આ એક શિખરના સ્ક્ન્ધ ઉપર ડોકું જ કરી
પાછળ ઊભું બીજું શિખર નિરખતું શું ફરી ફરી ! ૭

ગિરિટોચ છૂટાં તરુ ઊભાં ચોકી કરતાં જ શકે !
તે પણ અહિં અચરજ ધરી શાન્તિ સૂતી નિરખે; ૮

નિરખે જો વળી આ ઊંચે ચઢી વ્યોમ-અટારી
ચંદા કૌતુકથી ભરી મન્દ સ્મિત મુખ ધારી. ૯

નિરખે વળી સન્ધ્યાદેવી, રંગ નારંગ ઉરે
ધરી શુક્રતારલો બાળ, ભરી આશ્ચર્ય પૂરે; ૧૦

એ શુક્રબાળ પણ રહ્યો નિરખી કૌતુકભરિયો
નિજ દિવ્ય રૂપેરી નૅન નાંખતો શો ઠરિયો ! ૧૧

આ વેળ રઝળતું કોઈ પંખી રવ ઝીણ કરે,
કે દૂર ગ્રામના વાસ વિશે કલકલ ઊભરે, ૧૨

તે પણ અહિં જાતા ડૂબી શૂન્યતાપૂર મહિં,
ને શાન્તિતણું સામ્રાજ્ય અડગ ર્‌હેતું જ અહિં. ૧૩