આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
કચ્છનો કાર્તિકેય

નામો આપને જણાવીશું, તો ૫ણ આપ અમને ઓળખી શકવાના નથી, એ નિર્વિવાદ છે; તો પછી વિના કારણ એ લફમાં શામાટે પડવું ? આપણામાંથી કોઈને પણ આ ચર્ચાથી લાભ થવાનો સંભવ નથી અને તેટલામાટે આ પ્રશ્નોત્તરમાળાને આગળ લંબાવવાની આવશ્યકતા હોય, એવી મારી માન્યતા નથી. આ૫માટે એટલું જાણી લેવું જ બસ થશે કે અમો કોઈ એક ગરાશિયાના કુંવર છીએ અને વખાના માર્યા બહાર નીકળ્યા છીએ. આપના પોશાક તથા દેખાવથી આપ પણ ગરાશિયા હો એમ જણાય છે અને તેથી આપ અમારા આટલા શબ્દોથી જ સર્વે રહસ્ય સમજી શકશો, એવી મારી દૃઢ ધારણા છે.”

તે ગરાશિયો ખેંગારજીના આવા ચાતુર્યભરેલા ઉત્તરના શ્રવણથી આશ્ચર્યચકિત તથા નિરૂતર થઈ ગયો અને પોતાના મનમાં આપણા એ તરુણ રાજપ્રવાસીની અતિશય પ્રશંસા કરવા લાગ્યો. પરંતુ પોતાના એ આંતરિક ભાવોને હૃદયમાં જ ગુપ્ત રાખીને તેણે વળી પણ પૂછ્યું કે: “ત્યારે શું અહીં રાતવાસો કરવાનો તમારો વિચાર છે ? જો એમ જ હોય, તો તો ગામમાં આ ગરીબના ઝૂપડામાં પધારો અને ત્યાં જ રાત્રિભોજન કરી આનંદથી રાત વિતાડો, એ જ વધારે સારું છે; કારણ કે, અતિથિ આવીને ગામને પાદર પડી રહે, તો ગામના ધણીને નીચું જોવું પડે. તમારાં વાહનોને પણ ત્યાં ઘાસ દાણાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે અને તમારો પોતાનો પણ સર્વ પ્રકારનો યોગ્યતમ સત્કાર થશે, એ વિશે નિશ્ચિન્ત રહેશો. આ સ્થાનમાં રાત્રિના સમયમાં સર્પ નીકળે છે અને તેથી આ સ્થાનમાં અમો કોઈને પણ રાતવાસો કરવા દેતા નથી; કારણ કે, તે સર્પ દેવાંશી છે અને તેથી તેનાપર શસ્ત્ર ચલાવીને તેને કોઈ મારી પણ શકતું નથી; કિન્તુ જે કાઈ એ પ્રયત્ન કરે છે, તે પોતે જ મરણશરણ થઈ જાય છે. આ કારણથી, આશા છે કે, તમો મારી પ્રાર્થનાને સ્વીકારશો અને મારી પર્ણકુટીમાં પધારવાની ઉદારતા અવશ્ય દર્શાવશો.”

“શું ત્યારે આપ પોતે જ આ ગ્રામના ધણી છો ?" ખેંગારજીએ કાંઈક શંકાયુક્ત ભાવથી પૂછ્યું.

"જી હા, હું ઝાલો ગરાશિયો છું અને આ ગામ મારું જ છે. તમો કોઈ પણ વિષયની શંકા લાવશો નહિ અને મારા ઘરને પોતાનું જ ઘર માનજો.” ગરાશિયાએ સંતોષકારક ઉત્તર આપ્યું.

"ત્યારે આપનું નામ ?” ખેંગારજીએ પૂછ્યું.

"મારું ખરૂં નામ તો જો કે ધર્મસિંહ છે; પરંતુ બે ચાર વાર