આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
ભાગ્યોદયનો આરંભ

સર્વ સાથે જ અમદાવાદ સિધારજો. આ ઊંટની પણ આવશ્યકતા નથી; કારણ કે, આપણે ત્યાં વાહનોનો સુકાળ છે.” ખેંગારજીને એવી રીતે આશ્વાસન આપીને જાલિમસિંહે પોતાના બંધુ વૈરિસિંહને સંબોધીને કહ્યું કે: “ભાઈ વૈરિસિંહ, તમો પ્રભાતમાં સો કોરી લઈને ધ્રાંગધરે જજો અને છચ્છરને છોડાવીને સંધ્યા સૂધીમાં પાછા અહીં આવી પહોંચજો. છચ્છરમાટે ત્યાંથી કોઈનો સારો ઘોડો ભાડે કરી લેજો. કોઈ પણ કારણથી આવવામાં વિલંબ કરશો નહિ.”

"એ કાર્યનો ભાર મારા શિરપર આવ્યો ! આપ નિશ્ચિન્ત રહો.” વૈરિસિંહે જ્યેષ્ઠ બંધુની આજ્ઞાનો તત્કાળ સ્વીકાર કરી લીધો અને ત્યારપછી વૈરિસિંહ ત્યાંથી ઊઠીને અંતઃપુરમાં ચાલ્યો ગયો.

*****

વૈરિસિંહ જે વેળાયે અંતઃપુરમાં આવ્યો, તે વેળાયે તેની ભાભી એટલે કે જાલિમસિંહની પત્ની, તેની ભત્રીજી નન્દકુમારી એટલે કે કુમાર ખેંગારજીમાં આસક્ત થયેલી નવયૌવના બાળા અને જાલમસિંહની પુત્રી, તેની પોતાની પત્ની તથા તેની પોતાની દ્વાદશવર્ષીયા દુહિતા રાજમણી તેમ જ બે દાસીઓ આદિ સ્ત્રીસમુદાય એ નવાગંતુક અતિથિઓ વિશે નાના પ્રકારની ચર્ચા ચલાવતો તેના જોવામાં આવ્યો. વૈરિસિંહ આવેલો જોઈને તેની પત્ની ઘૂંઘટો તાણીને ત્યાંથી ઊઠી બીજા ઓરડામાં ચાલી ગઈ; પરંતુ નન્દકુમારી તથા તેની પોતાની દુહિતા રાજમણી ત્યાં જ બેસી રહી એટલે પ્રથમ તેમને સંબોધીને વૈરિસિંહે કહ્યું કેઃ “બેટા, મારે મારાં પૂજ્ય ભાભી સાથે કાંઈ ખાનગી વાત કરવાની છે એટલે થોડીવાર તમો પણ અંદરના એારડામાં જઇને બેસો.” તે ઉભય બાળાઓ ચાલી ગઈ અને ત્યાર પછી વૈરિસિંહ પોતાની માતાતુલ્ય ભાભીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: “પૂજ્ય ભાભી, આપણે ઘેર આજે જે કુમારો અતિથિ તરીકે આવ્યા છે, તેમાંનો મોટો કુમાર તે કચ્છ દેશનો યુવરાજ ખેંગારજી છે અને નાનો કુમાર તેમનો સહોદર સાયબજી છે. જામ હમ્મીરજીનો વિશ્વાસઘાતથી જામ રાવળે વધ કરાવ્યો છે અને તેમના આ કુમારોને પણ મારી નાખવાના તેના પ્રયત્નો ચાલૂ છે એટલામાટે આ કુમારો કચ્છમાંથી નીકળીને અમદાવાદ પોતાની ભગિની પાસે જાય છે. અમદાવાદના સુલ્તાન મહમ્મદ બેગડા પાસેથી એઓ સૈન્ય આદિ સાધનો મેળવશે અને જામ રાવળ પાસેથી કચ્છનું રાજ્ય અવશ્ય પાછું લેશે. અર્થાત્ આજે આપણે તેમનો જે આટલો સત્કાર કર્યો છે, તે ભવિષ્યમાં આપણામાટે અતિશય લાભકારક થઈ પડશે, એમાં લેશ માત્ર પણ સંશય