આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
અહમ્મદાબાદ (અમદાવાદ) દર્શન

ખંડિયેરો છે, તેમાંની ઘણીખરી ઈમારતો એ મહમૂદ બેગડાના સમયમાં જ અસ્તિત્વમાં આવી હતી. અર્થાત્ એટલાથી જ અમદાવાદની તે વખતની જાહોજલાલીની કાંઈક કલ્પના કરી શકાય એમ છે."

અમદાવાદના વસાવનાર અહમ્મદશાહ પહેલા એ જ અમદાવાદનો કિલ્લો ચણાવવાના કાર્યનો આરંભ કર્યો હતો, એ તો ઉપર દર્શાવેલું જ છે; પરંતુ તેના જીવનકાળમાં એ કિલ્લો આખો તૈયાર થઈ શક્યો નહોતો; માત્ર એટલું જ નહિ, પણ તેની પછીના બે સુલ્તાન મહમૂદશાહ ૧ લો તથા જલાલખાન ઉર્ફ કતુબુદ્દીનના રાજત્વકાળમાં પણ કિલ્લો અપૂર્ણ અવસ્થામાં જ રહ્યો હતો, કારણ કે, એ દુર્ગની સમાપ્તિનો યશ મહમૂદ બેગડાના ભાગ્યમાં લખાયલો હોવાથી તેના હસ્તે જ એ કાર્યની પૂર્ણાહુતિ થઈ હતી. કહેવામાં આવે છે કે, બેગડાના સમયમાં અમદાવાદના કિલ્લાનો વિસ્તાર લગભગ છ માઈલનો એટલે કે ત્રણ ગાઉનો હતો, તેની ઉંચાઈ પંદર ફીટની હતી અને સાધારણ દીવાલોની પહોળાઈ ચારથી પાંચ ફીટની હતી. પ્રત્યેક પચાસ કદમને અંતરે મોટા મોટા બુર્જ બાંધવામાં આવ્યા હતા અને તેમાં અંદરથી ગોળીબાર કરવામાટે નાનાં મોટાં છિદ્રો રાખવામાં આવ્યાં હતાં. તે સમયમાં અમદાવાદના દુર્ગમાં બધા મળીને અઢાર દરવાજા હતા અને તે એટલા તો વિશાળ હતા કે ઉંચી અંબાડીઓ સુદ્ધાં હાથીઓ તેમાંથી નીકળી જતા હતા અને તો પણ ઉપર કેટલોક ભાગ ખાલી રહેતો હતો. એ દુર્ગદ્વારોનાં બારણાં લોહ તથા કાષ્ઠ ના મિશ્રણથી બનાવેલાં હોવાથી એવાં તો મજબૂત હતા કે તોપના ગોળા આવીને તેમના પર પડે, તો પણ ભાગ્યે જ તેમને ઈજા પહોંચવાનો સંભવ માની શકાય. ફરિશ્તા પોતાના ઇતિહાસગ્રંથમાં એક સ્થળે લખે છે કે: 'તે સમયમાં અમદાવાદના ૩૬૦ મહલ્લા દીવાલોથી સુરક્ષિત હતા.' (એ કદાચિત્ પોળો જ હોવી જોઈએ; કારણ કે, હજી પણ જૂની પોળોના દરવાજા કિલ્લાના દરવાજા જેવા જ જોવામાં આવે છે); અને 'તે કાળમાં અમદાવાદ નગરની વસતી નવ લાખ મનુષ્યોની સંખ્યાએ પહોંચી હતી.'

'મીરાતે સિકન્દરી' નામક ગુજરાતના ઇતિહાસમાં તેનો કર્તા લખે છે કેઃ 'બેગડાના રાજત્વકાળમાં ગુજરાત દેશને પણ નવી તેજી આવી હતી અને તે એવી કે એવી તેજી તે પૂર્વે કદાપિ આવી જ નહોતી. સિપાહીઓની સ્થિતિ સારી હતી અને પ્રજાને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નહોતો. સાધુ સંતો સ્થિર ચિત્તથી પરમેશ્વરની પ્રાર્થનામાં નિમગ્ન રહેતા હતા અને વ્યાપારીઓ વ્યાપાર તથા નફાથી ખુશખુશાલ જોવામાં આવતા હતા. દેશમાં સર્વત્ર નિર્ભયતા હતી અને ચોરોનો