આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
કચ્છનો કાર્તિકેય

ભય તો હતો જ નહિ, અર્થાત્ સુવર્ણ ઉછાળતા લોકો ચાલ્યા જાય, તો પણ કોઈ તેમના સુવર્ણપર દૃષ્ટિપાત કરી શકતું નહોતું અને તેથી કોઈને પોકાર કે ફરિયાદ કરવાનું કાંઇ પણ કારણ હતું નહિ. સુલ્તાને એવું ફર્માન જારી કર્યું હતું કે, 'અમીર અથવા લશ્કરમાંનો કોઇ પણ સિપાહી લડાઇમાં મરી જાય અથવા કુદરતી રીતે તેનું મરણ થાય, તે વેળાયે તેની જાગીર તેના પુત્રને આપવી; જો તેને પુત્ર ન હોય, તો તેની જાગીરનો અર્ધ ભાગ તેની પુત્રીને આપવો અને જો પુત્રી પણ ન હોય, તો તેના આશ્રિતોને આજીવિકામાટેની એવી વ્યવસ્થા કરી આપવી કે તેમને કોઈ પણ પ્રકારની હરકત ન થવા પામે.' એમ કહેવામાં આવે છે કે, એક મનુષ્યે સુલ્તાન બેગડાને આવીને કહ્યું કે: 'અમુક એક અમીર સ્વર્ગવાસી થયો છે અને તેનો પુત્ર તેની પદવીને લાયક નથી.' એટલે એના ઉત્તરમાં સુલ્તાને જણાયું કેઃ 'ચિન્તા નહિ; પદવી પોતાની મેળે જ તેને લાયક બનાવશે.' ત્યાર પછી આ વિષયમાં કોઈથી એક શબ્દ પણ ઉચ્ચારી શકાયો નહિ. બેગડાના સમયમાં પ્રજા સર્વ પ્રકારનાં સુખો ભોગવતી હતી અને ધનધાન્યવડે સમૃદ્ધ હતી તેનું કારણ એ હતું કે, અત્યાચાર તથા અનાચાર જેવા અપરાધ વિના અન્ય કોઈ પણ કારણથી જાગીરદારોની જાગીરો પાછી લઈ લેવામાં આવતી નહોતી અને સરકારી મેહસૂલ જેટલું પ્રથમ ઠરાવવામાં આવ્યું હોય તેટલું જ તેમની પાસેથી વસૂલ કરવામાં આવતું હતું. સંક્ષેપમાં કહેવાનું એટલું જ કે જ્યારે સુલ્તાન મહમૂદ શહીદના સમયમાં કેટલાક કરકસરિયા વજીરોએ દેશની ઉપજની તપાસ કરી જોઈ ત્યારે તેમને ઉપજમાં દશગણો વધારો થયેલો દેખાયો અને કોઈ પણ ગામમાં બેવડાથી ઓછો વધારો તો નહોતો જ. વ્યાપારીઓને લૂટારાનાનો ભય તો હતો જ નહિ; કારણ કે, માર્ગોમાં નિર્ભયતાના કઠિન ઉપાયો યોજવામાં આવ્યા હતા અને તેથી સુલ્તાનના સમસ્ત રાજ્યમાં ચોર તથા લૂટારાની ઉત્પત્તિ થતી અટકી ગઈ હતી. સાધુ સંતો નિર્ભયતામાં રહી શકતા હતા તેનું કારણ એ હતું કે સુલ્તાન પોતે જ એ માન્યવર સાધુ સંતોનો એક આજ્ઞાધીન શિષ્ય તથા ભાવિક ભક્ત હતો. તે પ્રતિવર્ષ તેમની જાગીરમાં વધારો કરી આપતો હતો અને જ્યાં તેમની ઈચ્છા હોય ત્યાં તેમને વજીફા (પેન્શન) આપતો હતો. પ્રવાસીઓમાટે રાજ્યમાં સર્વત્ર તેણે મોટી મોટી ધર્મશાળાઓ ચણાવી હતી તથા સ્વર્ગ સમાન પાઠશાળાઓ અને મસ્જિદો પણ બંધાવી હતી. સુલ્તાન બેગડો અત્યંત ન્યાયપ્રિય હોવાથી કોઈ પણ મનુષ્ય બીજા કોઈ મનુષ્યની હાનિ કરી શકતો નહોતો." અર્થાત્