આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
બેગડાની માગણી


દ્વિતીય પરિચ્છેદ
બેગડાની માગણી

જે વેળાએ કચ્છમાં જામ હમ્મીરજીનો રાજ્યાધિકાર પ્રવર્ત્તતો હતો, તે સમયે ગુજરાતમાં મહાપ્રતાપી સુલ્તાન મહમ્મદ બેગડાની હુકૂમત ચાલતી હતી, એ નવેસરથી કહેવાની કશી પણ અગત્ય નથી. 'બેગડો' ઉપનામ એક મુસલ્માન સુલ્તાનના નામ સાથે જોડાયલું જોઈને ઘણાકોના મનમાં આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે; કારણ કે, એવા પ્રકારનું ઉપનામ બીજા કોઈ પણ મુસલ્માન બાદશાહ, સુલ્તાન કિંવા નવ્વાબ આદિના નામ સાથે જોડાયેલું હોય, એમ ઈતિહાસના અવલોકનથી આપણા જોવામાં આવી શકતું નથી. 'મીરાતે સિકન્દરી’ નામક ગુજરાતના ફાર્સીભાષામાં લખાયેલા ઈતિહાસનો કર્તા એ વિષે લખે છે કે: “બેગડો ગુજરાતી ભાષામાં તેવા બળદને કહે છે કે જેનાં શીંગડાં આગળના ભાગમાં નીકળી આવીને જાણે કોઈ મનુષ્યે કાઈને આલિંગન આપવાને હાથ પહોળ્યા કર્યા હોય તે પ્રમાણે વળેલાં હોય છે. અર્થાત્ એ સુલ્તાનની મૂછો એવી તે ઘાટી અને લાંબી હતી કે તે એવા બેગડા બળદનાં શીંગડાં જેવી દેખાતી હતી અને તેથી તેને બેગડા ઉપનામથી ઓળખવામાં આવતો હતો. બીજા કેટલાકો એમ પણ કહે છે કે, મહમ્મદ સુલ્તાને જૂનાગઢ અને ચાંપાનેર એ બે ગિરિદુર્ગોપર વિજય મેળવેલો હોવાથી એ બેગડો ( બેગઢવાળો ) કહેવાતો હતો. આમાં સત્ય શું છે, તે પરમાત્મા જાણે.”

મહમ્મદ બેગડો ગુજરાતનો એક મહાપ્રતાપી સુલ્તાન થઈ ગયો છે, તેણે અનેક વિજયો મેળવ્યા હતા અને ગુજરાતમાં તેના રાજત્વકાળમાં અનેક પ્રકારની સુધારણાઓ તથા સુવ્યવસ્થાઓ થઈ હતી, એ વાર્તા ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ હોવાથી તે વિશે અહીં વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા નથી. સિંધના સુમરા અને સોઢા નામક હિન્દુ રાજપૂત જાતિના લોકોને પ્રથમ મુસલ્માન બનાવનાર, એ સુલ્તાન બેગડો જ હતો, એમ 'મીરાતે સિકન્દરી'નો કર્તા લખે છે. મહમ્મદ બેગડાએ સિંધપર ત્રણ વાર ચઢાઈ કરી હતી; પ્રથમ ઇ. સ. ૧૪૭૧ માં, બીજી ઇ. સ. ૧૪૭૨ માં અને ત્રીજી ઈ. સ. ૧૫૦૬ની લગભગમાં, આપણી વાર્તાનો સમય ઇ. સ. ૧૫૦૬ નો જ છે. સુલ્તાન બેગડો સિંધમાંની કેટલીક બળવાખોર જાતિના લોકોને દાબી દેવાના હેતુથી સિંધ તરફ જવા નીકળ્યો હતો અને તેનો માર્ગ કચ્છમાં થઈને જવાનો હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે તેણે કચ્છમાંના એક વિશિષ્ટ સ્થાનમાં પોતાની છાવણી નાખી હતી.