આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
કાપાલિકની કુટિલતા અને અબળાનો ઉદ્ધાર

માંના મૃત સ્ત્રીશરીરને તથા કાપાલિકના શબને તે ખાડામાં પધરાવીને તે ખાડાના મુખને શિલાખંડવડે પાછું બંધ કરી દીધું. આ સર્વ કાર્યની સમાપ્તિ પછી ખેંગારજીએ માધુરીને સંબોધીને કહ્યું કે:—

“બહેન, તમારા અંતઃકરણની શુદ્ધતા, પવિત્રતા તથા ધર્મશીલતાને જોઈને અમો ઉભય બંધુઓ આજે અત્યંત પ્રસન્ન થયા છીએ અને આ અમારા સંકટનો કાળ હોવા છતાં પણ આ પિશાચના પંજામાંથી તમારા જેવી એક સતી સુંદરીને બચાવવાનો જે અલભ્ય પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે, તેથી અમો અમને પોતાને અત્યંત ભાગ્યશાળી માનીએ છીએ. અમે તમને આજથી અમારી ધર્મભગિનીનું પદ આપીએ છીએ અને આશા છે કે તમો પણ અમને પોતાના ધર્મબન્ધુ તરીકે સ્વીકારશો અને ભવિષ્યમાં અમારી સાથે ધર્મભગિની તરીકે જ વર્ત્તશો.”

“મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે મને તમારા જેવા–રામ અને લક્ષ્મણની સાક્ષાત પ્રતિમા સમાન-ધર્મબન્ધુની પ્રાપ્તિ થાય ? હું આજથી તમને મારા ધર્મબંધુ તરીકે આનંદથી સ્વીકારું છું અને તમારી સાથે ભગિની ધર્મથી વર્તવાના ભાવને હૃદયમાં ધારું છું.” આ પ્રમાણે પોતાની કૃતજ્ઞતા વ્યકત કર્યા પછી માધુરી ખેંગારજી તથા સાયબજીને કહેવા લાગી કેઃ “મારા ધર્મબંધુઓ, તમો મારા ધર્મબંધુ તો થયા છો, પણ અદ્યાપિ તમારી જાતિ, તમારો દેશ અને તમારાં કુળ તથા નામ ઇત્યાદિ મારા જાણવામાં આવ્યાં નથી તે કૃપા કરીને જણાવશો ? કારણ કે, તમારા વેશથી તમે આ ગુજરાત દેશના વાસી નથી, એ તે પ્રત્યક્ષ જણાઈ આવે છે.”

માધુરીના એ પ્રશ્નના ઉત્તરમાં ખેંગારજીએ સંક્ષેપમાં પોતાનો સમસ્ત વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાર પછી કહ્યું કેઃ “માધુરી બહેન, તમને મેં અમારો આ વૃત્તાંત સંભળાવ્યો તો છે, પણ હાલતરત ક્યાંય કોઈની આગળ અમારાં નામોનો સ્ફોટ કરશો નહિ; કારણ કે, કેટલાક દિવસ અમદાવાદમાં અમારે ગુપ્તનિવાસમાં જ વીતાડવાના છે.”

"આપની એવી ઈચ્છા છે તો એમ જ થશે; પરંતુ બંધુ, તમો અત્યારે સંકટમાં છો, તો આ પાંચસો સુવર્ણમુદ્રા મારી પાસે તૈયાર છે તે સ્વીકારો; કારણ કે, એથી તમોએ મારા શિરપર ઉપકારનો જે ભાર ચઢાવ્યો છે તે પણ કાંઈક હલકો થશે અને સંકટના સમયમાં આ અલ્પ ધન પણ તમને ઉપયોગી થઈ પડશે.” માધુરીએ પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો.

પરંતુ ખેંગારજી તેની એ ઉદારતાનો અસ્વીકાર કરતા કહેવા