આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
કચ્છનો કાર્તિકેય

લાગ્યો કે : "અમો તમારા બંધુ હોવાથી અમારે જ તમને કાંઈ પણ આપવું જોઈએ; પણ અત્યારે આપવાની અમારી શક્તિ નથી અને તેથી અમને શોક થાય છે. અસ્તુઃ અમો અમારી બહેનને સારી રીતે સંતુષ્ટ કરી શકીશું, એ સમય પણ આવશે. તમારી આ ઉદારતા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ ભગિની પાસેથી ઉ૫કારનો બદલો લેવાની અમારી ઇચ્છા નથી. કૃપા કરીને માત્ર તમારા પતિ તથા શ્વસુરનાં નામો અમને જણાવો અને પછી સત્વર જ અહીંથી પ્રયાણ કરી જાઓ; કારણ કે, કુલીન ગૃહની વધૂ દીર્ઘ કાળ પર્યન્ત આકારણ બહાર રોકાઈ રહે, તો અવશ્ય ગૃહનાં મનુષ્યોનાં મનમાં કોઈ કુશંકાનો ઉદ્‌ભવ થાય, એ સ્વાભાવિક જ છે. અંતે માત્ર મારો એજ ઉપદેશ છે કે આવા દુષ્ટ તાંત્રિક અને માંત્રિક ખલ સાધુઓના ચમત્કારમાં કદાપિ વિશ્વાસ રાખશો નહિ અને અન્ય અબળાઓને પણ કેવળ પરમેશ્વરમાં શ્રદ્ધા રાખવાનો યોગ્ય ઉપદેશ આપતાં રહેજો."

માધુરીએ પોતાના પતિ તથા શ્વસુરના નામો ખેંગારજીને જણાવ્યાં અને ત્યાર પછી ખેંગારજીના ઉપદેશને અંત:કરણમાં ધારણ કરીને પોતાના ઉદ્ધારક તે ઉભય બંધુઓના શિરપર આશીર્વાદોની વૃષ્ટિ વર્ષાવતી તે ત્યાંથી ચાંદીના બેડાને ઉપાડીને જેવી રીતે ઝાંઝર ઝમકાવતી આવી હતી તેવી જ રીતે ઝાંઝર ઝમકાવતી ચાલી ગઈ.

ખેંગારજી તથા સાયબજીએ ઝૂપડીમાં તાળું શોધવા માંડ્યું અને તે તત્કાળ તેમને મળી આવ્યું એટલે ઝૂંપડીની બધી બારીઓ બરાબર બંધ કરી બારણાંને તાળું વાસીને તેઓ જાણે કાંઈ બન્યું જ ન હોય ને તેવી રીતે શાંત ભાવથી પાછા વટવૃક્ષની છાયામાં આવીને બેસી રહ્યા અને છચ્છર તથા રણમલ્લના આવવાની વાટ જોવા લાગ્યા. આ વેળાયે દિવસના તૃતીય પ્રહરનો અંત થઈને ચતુર્થ પ્રહરનો આરંભ થઈ ચૂક્યો હતો અને તેથી સૂર્યાસ્ત થવામાં અદ્યાપિ લગભગ એક પ્રહરનો અવકાશ હતો. ચતુર્થ પ્રહરનો કેટલોક સમય વીત્યા પછી છચ્છર તથા રણમલ્લ ત્યાં આવી લાગ્યા અને તેમણે ખેંગારજીને જણાવ્યું કેઃ "આપના ઓરમાન ભાઈ કુમાર અલૈયાજીને જામ શ્રી હમ્મીરજીના કપટથી થયેલા વધના સમાચાર કેટલાક દિવસ પૂર્વે જ મળી ચૂક્યા છે અને તેઓ આપના આગમનના સમાચાર સાંભળીને બહુ જ પ્રસન્ન થયા છે. તેઓ પોતાના ત્રણ ચાર અનુચરો સહિત આપને માનપૂર્વક પોતાને ત્યાં લઈ જવામાટે હમણાં જ અહીં આવી પહોંચશે."