આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
અહમ્મદાબાદમાં નિવાસ

જ હતી, પરંતુ તે ઉપરાંત વારંવાર ખેંગારજી ગુરુજનોને ધન, કેટલીક અન્ય ઉત્તમ વસ્તુઓ અને કૃતજ્ઞતાદર્શનથી પણ સંતુષ્ટ રાખ્યા કરતો હતો અને તેથી તે ઉભય બંધુઓપર નો ગુરુજનોની અનન્ય કૃપા તથા નિષ્કપટ પ્રીતિ રહે, તો તે સર્વથા સ્વાભાવિક જ હતું.

ખેંગારજીને વિદ્યાના વ્યાસંગમાં પણ અપૂર્વ અનુરાગ હેવાથી બન્ને ભ્રાતાઓએ કેટલાક પંડિતોની મિત્રતા કરીને સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂ ભાષાનો અભ્યાસ પણ કરવા માંડ્યો અને પાંચ કે છ માસ જેટલા અલ્પ કાલાવધિમાં તો તેઓ એ ત્રણે ભાષાઓથી સાધારણત: સારી રીતે પરિચિત થઈ ગયા. ત્યાર પછી તેમણે રાજનીતિ તથા સામાન્ય નીતિના કેટલાક પુરાતન સંસ્કૃત તથા ફારસી ગ્રંથોના અભ્યાસનો આરંભ કરી દીધો.

જો કે પોતાની અતુલરૂપવતી અને સ્નેહમૂર્તિ પત્ની નન્દકુમારીનું ખેંગારજીના હૃદયમાં વારંવાર સ્મરણ થયા કરતું હતું અને તેને પોતાના વચન અનુસાર અમદાવાદમાં બોલાવી લેવાની તેની વારંવાર ઇચ્છા થયા કરતી હતી; છતાં પણ તેના સમાગમમાં જો વિશેષ સમય જશે, તે આ સર્વ વિદ્યાના અભ્યાસમાં વ્યત્યય આવશે, એવા વિચારથી અત્યાર સૂધી નન્દકુમારીને અમદાવાદમાં લાવવાની તેણે કાંઈ પણ ચેષ્ટા કરી નહોતી. પરંતુ વિદ્યાભ્યાસ વિષયક તેનો હેતુ કેટલેક અંશે સફળ થઈ ગયો અને અમદાવાદમાં આવ્યાને લગભગ સવા વર્ષ જેટલો કાળ વીતી ગયો એટલે પછી અર્ધાંગનાનો વિયોગ અસહ્ય લાગવાથી અને ગૃહિણીહીન ગૃહ સ્મશાનતુલ્ય ભાસવાથી ખેંગારજીએ પોતાના શ્વસુર જાલિમસિંહના નામનું એક પત્ર આપીને રણમલ્લના ભત્રીજાને છચ્છર તથા રણમલ્લની અનુમતિથી નન્દકુમારીને લઈ આવવામાટે અમદાવાદથી રવાના કરી દીધા.

કચ્છદેશમાંથી સિદ્ધપુર આદિ ગુજરાતનાં પવિત્ર સ્થાનની યાત્રામાટે ગુજરાતમાં આવતાં કેટલાંક સ્ત્રી પુરુષ યાત્રાળુઓ અમદાવાદમાં સાભ્રમતીના સ્નાનથી પવિત્ર થવાની તથા રાજધાનીને જોવાની આકાંક્ષાથી અમદાવાદમાં પણ આવતાં હતાં અને સાભ્રમતીના પશ્ચિમતીરપ્રાંતમાં છાવણી નાખીને પડેલા સાધુવેશધારી છચ્છરને તેમના સમાગમનો લાભ મળ્યા કરતો હોવાથી કચ્છદેશમાં વ્યાપેલાં અનાચાર, અત્યાચાર તથા અરાજકતા આદિના દુ:ખદ સમાચાર નિરંતર તેના સાંભળવામાં આવ્યા કરતા હતા અને તેના મુખથી તે સમાચાર જ્યારે ખેંગારજીના સાંભળવામાં આવતા હતા, ત્યારે તેના ક્રોધનો અગ્નિ તેના શરીરમાં નખથી શિખાપર્યન્ત વ્યાપી જતો હતો અને