આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
કચ્છનો કાર્તિકેય

કચ્છદેશની પ્રજાને એ અત્યાચાર તથા અરાજકતામાંથી ઉદ્ઘાર કરવામાટે તેમ જ જામ રાવળ પાસેથી વૈરનો બદલો લેવામાટે તેનું હૃદય અધીર તથા આકુલવ્યાકુલ થઈ જતું હતું; છતાં અદ્યાપિ અનુકૂલ સમય આવેલો ન હોવાથી તેને હાય મારી શાંત થઈને બેસી રહેવું પડતું હતું.

બહુધા વીસ દિવસ પછી રણમલ્લનો ભત્રીજો ખેંગારજીની પત્ની તથા સાયબજીની પત્નીને લઈને નિર્વિઘ્ન અમદાવાદમાં આવી પહોંચ્યો. જાલિમસિંહે પોતાની પુત્રી તથા ભત્રીજીને અમદાવાદ પહોંચાડવામાટે પોતાના વીસેક હથિયારબંધ માણસોને મોકલેલા હોવાથી માર્ગમાં બહુધા વિઘ્ન આવવાનો સંભવ હતો જ નહિ. ઉભય દંપતીઓ પરસ્પર મિલનથી આનંદિત થયાં અને આનન્દવિનોદમાં પોતાનો સમય વીતાડવા લાગ્યાં.

પ્રિય પાઠક તથા પાઠિકાઓ, હવે આપણે એ જોવાનું છે કે જામ રાવળના ખેંગારજી તથા સાયબજીને મારી નાખવામાટેના પ્રયત્નો મંદ પડી ગયા હતા કે કેમ અને ખેંગારજી તથા સાયબજી અમદાવાદમાં સર્વથા નિર્ભય હતા કે કેમ ? આ સ્થિતિનું અવલોકન કરવામાટે હાલ તરત તો એ કુમારોને અમદાવાદમાં મૂકીને આપણે પાછા કચ્છદેશમાં જ પ્રયાણ કરવું પડશે.

⇚~•~•~•~⇛
સપ્તમ પરિચ્છેદ
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા !

"કેવળ મારા પરમપ્રતિસ્પર્ધી જામ હમ્મીરની હત્યાનું કાર્ય જ મારી ઈચ્છા અનુસાર નિર્વિધ્ન પાર પડ્યું; પરંતુ ત્યાર પછીનાં મારી સર્વ કાર્યો મારી ઈચ્છાથી ઉલટાં થતાં જાય છે; મારા ભાગ્યમાં છિદ્ર પડેલાં દેખાય છે. જામ હમ્મીરના બે કુમારો ખેંગારજી અને સાયબજી મારા હાથમાંથી આબાદ છટકી ગયા છે અને રાયબજી પણ તેના મોશાળમાં સુરક્ષિત હોવાથી મારા હાથમાં આવી શકે તેમ નથી. જો જામ હમ્મીર સાથે તેના એ ત્રણે રાજકુમારોના પ્રાણનો પણ નાશ થઈ ગયો હોત, તો પર્વત પ્રમાણે મારી સત્તા આ કચ્છદેશમાં અચલ થઈ ગઈ હોત અને અંતરિક્ષમાં જેવી રીતે વાયુ અવ્યાહત સંચાર કરે છે, તેવી રીતે મારી સત્તા પણ અવશ્ય સર્વત્ર સંચારિણી થઈ શકી હોત ! પરંતુ અફસોસ; મારા શત્રુના તે કુમારો મારા હાથમાંથી છટકી ગયેલા હોવાથી એક કેદખાનામાં પૂરાયેલા અથવા તો જેના પગોને ભાંગી નાખેલા હોય છે, તેવા મનુષ્ય