આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
કચ્છનો કાર્તિકેય

સત્તાનો પાયો આ ભૂમિમાં દિવસાનુદિવસ વધારે અને વધારે દૃઢ થતો જાય છે એટલે આવા ભયને હૃદયમાં સ્થાન આપવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ખેંગારજી, સાયબજી તથા રાયબજી કાં તો રખડી રઝળીને ક્યાંક મરી ગયા હશે અને કદાચિત્ જીવતા હશે, તો પણ તેઓ સાધનહીન, દીન અને દરિદ્ર હોવાથી મૃતસમાન છે અને મૃત મનુષ્યોથી ભયભીત થવું, એ વીરપુરુષનો સ્વભાવ નથી. હવે તો સર્વ ભય તથા ચિન્તાઓને ત્યાગીને રાજવૈભવને સ્વચ્છંદતાથી ભોગવો અને આનન્દવિલાસમાં નિમગ્ન રહો; કારણ કે, જીવનની સાર્થકતાનો સત્ય માર્ગ એ જ છે.”

ચામુંડરાજની એવી ધારણા હતી કે આવા પ્રકારના ઉપદેશથી જામ રાવળના સંતપ્ત હૃદયને આશ્વાસન મળશે અને તેના હૃદયમાં તત્કાળ આનન્દવિકારનો અધિકાર જામી જશે, પરંતુ તેની એ ધારણા સફળ ન થઈ શકી; કારણ કે, તેના આ ઉપદેશથી તો જામ રાવળની મુખમુદ્રામાં અધિકતર ગંભીરતાનો આવિર્ભાવ થયો અને વળી પણ તે પૂર્વવત્ નિરાશાને દર્શાવતો જ કહેવા લાગ્યો કે: "ચામુંડરાજ, મારા પરમવિશ્વાસપાત્ર સેનાધ્યક્ષ, આપણે આ કચ્છદેશનું રાજ્ય મેળવીને સર્વથા નિર્ભય થઈ ગયા છીએ અને ખેંગારજી, સાયબજી તથા રાયબજી જીવતા હોવા છતાં પણ સાધનહીન હોવાથી આપણા માટે તેમનાથી ડરવાનું કાંઈ પણ કારણ છે જ નહિ; એવી જ જો તમારી ધારણા હોય, તો તે તમારી ધારણા ખોટી છે, એમ જ મારે નિરુપાય થઇને કહેવું પડે છે; કારણ કે, તેઓ ગમે તેવા પણ ક્ષત્રિયકુમાર હોવાથી સિંહના બાળકો છે અને ચગદાયલો સર્પ જેવી રીતે વૈરના પ્રતિશોધ વિના કદાપિ શાંત થતો નથી, તે જ પ્રમાણે જો તેઓ જીવતા હશે, તો વૈરના પ્રતિશોધનો અવશ્ય પ્રયત્ન કરશે, એમ મારી મનોદેવી મને વારંવાર કહ્યા કરે છે. વળી તેઓ અદ્યાપિ મરી ગયા નથી, પણ જીવતા જ છે, એવા સમાચાર પણ મને મળી ચૂક્યા છે. ગુજરાતમાં જઈ આવેલા કેટલાક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખેંગારજી તથા સાયબજી અમદાવાદમાં છે; કારણ કે, તેઓ તેમને ત્યાં જોઈ આવ્યા છે. જો કે ગુજરાતમાં જઈ આવેલા એ લોકો નિશ્ચયાત્મક કાંઈ પણ જણાવી શક્તા નથી, પરંતુ તેમણે જે બે કુમારોને ત્યાં જોયા છે. અને તેમનું જે વર્ણન તેઓ કરી સંભળાવે છે, તે વર્ણનથી તો એમ જ જણાય છે કે તેઓ ખેંગારજી તથા સાયબજી જ હોવા જોઈએ અને તેઓ અમદાવાદમાં જઇને રહ્યા હોય તો તે સંભવનીય પણ છે; કારણ કે,